2024માં ગુના ઉકેલાવાનો દર 77 ટકા: પોલીસ કમિશનર
નવી મુંબઈ: નવી મુંબઈમાં ગુના ઉકેલાવાનો દર 2023માં 74 ટકા હતો તેનાથી વધીને 2024માં 77 ટકા પર પહોંચ્યો હોવાનું નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિંદ ભારંબેએ સોમવારે જણાવ્યું હતું.
ભારંબેએ જણાવ્યું હતું કે ચોરાયેલી મતા હસ્તગત કરવામાં, આર્થિક ગુનાઓને ઉકેલવામાં, મહિલા વિરુદ્ધના ગુનાઓને નિયંત્રણમાં લેવા અને ડ્રગ્સની જપ્તિમાં નવી મુંબઈ પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે.
2024માં નોંધાયેલા 7,369 ફોજદારી ગુનાઓમાંથી 5,677 ઉકેલવામાં આવ્યા હતા. ગંભીર ગુના 98 ટકા, મિલકત સંબંધી કેસો બાવન ટકા, આર્થિક છેતરપિંડીના 51 ટકા, મહિલાઓ વિરુદ્ધના ગુના 98 ટકા સહિત અન્ય ગુના 87 ટકા ઉકેલવામાં સફળતા મળી હતી. 2023માં ચોરાયેલી મતા 61 ટકા હસ્તગત કરાઈ હતી, જ્યારે 2024માં 72 ટકા હસ્તગત કરાઈ હતી, એવું કમિશનરે જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ 2024માં મહિલાઓ વિરુદ્ધના 626 ગુના નોંધાયા હતા, જેની સામે તેના આગલા વર્ષે 104 ગુના વધારે નોંધાયા હતા.
આ પણ વાંચો : નવી મુંબઈના ગોળીબારના કેસમાં બીજો આરોપી પકડાયો
નવી મુંબઈ પોલીસે 2024માં 436 સાયબર ક્રાઈમના ગુના નોંધ્યા હતા, જેમાં નાગરિકોએ 150.97 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. આમાંથી 41.32 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને 6.92 કરોડ રૂપિયા કોર્ટના આદેશને આધારે ફરિયાદીઓને પાછા સોંપવામાં આવ્યા હતા.
વીતેલા વર્ષમાં નવી મુંબઈ પોલીસે 206 આરોપી વિરુદ્ધ 113 કેસ નોંધી 33.68 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આરોપીઓમાં 56 વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે. એ સિવાય 47 બાંગ્લાદેશી નાગરિક સામે કાર્યવાહી કરાઈ હતી, જેમાંથી 13 જણને દેશનિકાલ કરાયા હતા, એમ ભારંબેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)