ફ્લાઈંગ સ્ક્વોડના પાંચ અધિકારી સામે ખંડણી માગવાનો ગુનો
થાણે: ઉલ્હાસનગરમાં ફૂલના વ્યાવસાયિકને ધમકી આપી કથિત ખંડણી માગવા બદલ પોલીસે બે કોન્સ્ટેબલ સહિત ચૂંટણીની ફ્લાઈંગ સ્ક્વોડના પાંચ સભ્ય વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મારળ નાકા ખાતે 18 ઑક્ટોબરે બની હતી. ફૂલનો વ્યવસાય ધરાવતો ફરિયાદી અને તેનો મિત્ર દશેરા માટે ખરીદેલાં ફૂલની રકમ ખેડૂતોને ચૂકવવા 7.5 લાખ રૂપિયા લઈને કારમાં અહમદનગર અને પુણે જઈ રહ્યા હતા.
વિધાનસભાની ચૂંટણીને પગલે લાગુ કરાયેલી આચારસંહિતા દરમિયાન વાહનોની તપાસ ચાલી રહી હોવાથી આરોપીઓએ ફરિયાદીની કારને મુરબાડ નજીક રોકી હતી. આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી હતી કે રકમ જપ્ત કરીને તેમની સામે ગુનો નોંધવામાં આવશે.
આરોપીઓએ ફરિયાદી પાસેથી 85 હજાર રૂપિયાની ખંડણી વસૂલી હતી. આરોપીઓએ ફૂલના વ્યાવસાયિક પાસેથી મળી આવેલાં નાણાં અંગે તેમના વરિષ્ઠોને જાણ કરી નહોતી. એ સિવાય રોકડ જપ્ત કરવાની પ્રક્રિયાનું પણ પાલન કર્યું નહોતું.
તપાસમાં જણાયેલાં તથ્યો અને ચૂંટણી અધિકારીની ફરિયાદને આધારે ઉલ્હાસનગર પોલીસે શનિવારે પાંચ આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 308(2), 198, 134 અને 3(5) હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)