થાણે-સાતારામાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી:292 દેશી બોમ્બ સાથે દંપતી સહિત ત્રણની ધરપકડ…
થાણે: થાણે પોલીસના સેન્ટ્રલ ક્રાઇમ યુનિટે થાણે અને સાતારા જિલ્લામાં કાર્યવાહી કરીને 292 દેશી બોમ્બ સાથે દંપતી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : ચક્રવાત ફેંગલ બાદ મહારાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો
આરોપીઓની ઓળખ મુરલીબાઇ પાલિશ સિકરે (35) અને તેનો પતિ પાલિશ સિકરે (37) તથા સુભાષ ગજાનન પહેલકર (49) તરીકે થઇ હતી. મુરલીબાઇ અને પાલિશ શિકરે મધ્ય પ્રદેશના વતની હોઇ તેઓ હાલ સાતારા જિલ્લામાં રહે છે.
સેન્ટ્રલ ક્રાઇમ યુનિટના અધિકારીઓને માહિતી મળી હતી કે જંગલી ડુક્કરોનો શિકાર કરવા માટે વપરાતા દેશી બોમ્બ વેચવા માટે એક શખસ થાણેના સાકેત રોડ પર આવવાનો છે. આથી પોલીસે 2 ડિસેમ્બરે છટકું ગોઠવીને સુભાષ પહેલકરને પકડી પાડીને તેની પાસેથી 10 દેશી બોમ્બ જપ્ત કર્યા હતા.
આ પણ વાંચો : ગૌરવવંતા ચાર ગુજરાતીઓનું “મુંબઈ સમાચાર ગૌરવ એવોર્ડ” દ્વારા સન્માન…
રાયગડ જિલ્લાના માનગાંવ તાલુકાના રહેવાસી સુભાષ પહેલકરે આ દેશી બોમ્બ સાતારા જિલ્લાના વાઇ ખાતેથી વેચવા માટે લાવ્યા હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યા બાદ પોલીસની ટીમને ત્યાં રવાના કરવામાં આવી હતી અને વાઇ પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદથી મુરલીબાઇ શિકરે અને તેના પતિને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. બંને પાસેથી 282 દેશી બોમ્બ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત 2.82 લાખ થાય છે. આરોપીઓ વિરુદ્ધ રાબોડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.