વિલે પાર્લેમાં વૃદ્ધા-નોકરાણીને સેલો ટેપથી બાંધી લૂંટ: મહિલા સહિત બેની ધરપકડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિલે પાર્લેમાં ઘરમાં ઘૂસીને 80 વર્ષની વૃદ્ધા અને તેની મૂકબધિર નોકરાણીને સેલો ટેપથી બાંધી સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે માસ્ટરમાઈન્ડ મહિલા સહિત બેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : મઢ-માર્વે રોડ પહોળો કરવા આડે 529 બાંધકામનો અવરોધ
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-8ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ શ્ર્વેતા જયેશ લડગે (35) અને બાબુ આનંદ સિંદલ (27) તરીકે થઈ હતી. લૂંટમાં સામેલ બાબુનો સાથી ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે.
વિલે પાર્લે પૂર્વમાં તેજપાલ સ્કીમ રોડ પરની સોસાયટીમાં પાંચમી જાન્યુઆરીની ભરબપોરે લૂંટની ઘટના બની હતી. બે લૂંટારા રાધિકા ઢીચવળકર (80)ના ઘરમાં ઘૂસ્યા હતા. ચાકુની ધાકે રાધિકા અને તેની નોકરાણી સંગીતા (40)ને બાનમાં લેવામાં આવી હતી. પછી સેલો ટેપથી હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા.
બન્નેનાં મોં પર સેલો ટેપ લગાવી ઘરમાંથી સોનાના દાગીના અને એક લાખની રોકડ મળી અંદાજે આઠ લાખની મતા લૂંટી બન્ને લૂંટારા ફરાર થઈ ગયા હતા. વૃદ્ધાનો પુત્ર ઘરે આવ્યો ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી.
આ પ્રકરણે વિલે પાર્લે પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી. તપાસ દરમિયાન વર્સોવામાં રહેતી શ્ર્વેતાની ભૂમિકા સામે આવી હતી. પૂછપરછ દરમિયાન શ્ર્વેતાએ આપેલી માહિતી પરથી બાબુને થાણેથી પકડી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ‘ડિજિટલ એરેસ્ટ’ને બહાને નાણાં પડાવનારી રાજસ્થાની ટોળકી પકડાઈ
પોલીસના જણાવ્યા મુજબ લૂંટની યોજના શ્ર્વેતાએ બનાવી વર્સોવામાં જ રહેતા બાબુને જણાવી હતી. બાબુ વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે. શ્ર્વેતા ફરિયાદી સાથે પરિચિત હોવાથી તેણે જ સંગીતાને ફરિયાદીના ઘરે કામે લગાડી હતી. એ સિવાય ફરિયાદીના ઘર અને પરિવારજનોની સંપૂર્ણ માહિતી લૂંટારાઓને આપી હતી, એવું તપાસમાં સામે આવ્યું હતું.