ત્ર્યંબકેશ્ર્વર મંદિરમાં ભક્તો સાથે ધક્કામુક્કી પ્રકરણે ત્રણ સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધ ગુનો
નાશિક: બાર જ્યોતિર્લિંગમાંના એક નાશિકમાં આવેલા ત્ર્યંબકેશ્ર્વર મંદિરમાં બે ભક્તો સાથે કથિત ધક્કામુક્કી પ્રકરણે પોલીસે ત્રણ સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારે સવારે બની હતી. વીકએન્ડ અને સોમવારે રજાને કારણે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઊમટ્યા હતા.
આ પણ વાંચો: ફન વર્લ્ડ
ફરિયાદમાં 60 વર્ષની વૃદ્ધાએ જણાવ્યું હતું કે એક સિક્યોરિટી ગાર્ડે મંદિરમાં ભગવાનના દર્શન માટે ગયેલા તેના પુત્રને ધક્કો માર્યો હતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. બાદમાં બીજા ગાર્ડ્સ પણ મંદિરની બહાર આવ્યા હતા અને વૃદ્ધા અને તેના પુત્ર સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું.
વૃદ્ધાએ આક્ષેપ કર્યો હતો કે આ ઘટનામાં તે અમુક પગથિયાં પરથી નીચે પડી ગઈ હતી, જેને કારણે તેના માથા પર ઇજા થઈ હતી.
વૃદ્ધાની ફરિયાદને આધારે ત્ર્યંબકેશ્ર્વર પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 323, 504 અને 506 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)