આમચી મુંબઈ

વાહન પાર્કિંગના વિવાદમાં મહિલાની મારપીટ અને વિનયભંગ કરનારા ત્રણ વિરુદ્ધ ગુનો

મુંબઈ: સાંતાક્રુઝના કલિના વિસ્તારની રહેણાક સોસાયટીમાં વાહન પાર્કિંગના વિવાદમાં ફૅશન ડિઝાઈનર મહિલાની કથિત મારપીટ અને વિનયભંગ કરવા પ્રકરણે પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદમાં 30 વર્ષની મહિલાએ જણાવ્યું હતું કે મંગળવારની સવારે તે પતિ સાથે કારમાં બહાર જવાની હતી, પરંતુ કોમ્પ્લેક્સના જ એક રહેવાસીના સગાની કારને કારણે તેમની કાર પાર્કિંગમાંથી નીકળી શકે એમ નહોતી.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે વારંવાર વિનંતી કરવા છતાં રહેવાસી એ કાર ત્યાંથી ખસેડવા તૈયાર નહોતા. પરિણામે ફરિયાદી કાર ખસેડવાનું કહેવા સંબંધિત ફ્લૅટમાલિકના ઘરે ગઈ હતી, જ્યાં ફ્લૅટમાલિક અને તેના બે પુત્રએ ફરિયાદીની મારપીટ કરી તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. એ સિવાય વાળ ખેંચીને ફરિયાદીને ગાળો ભાંડવામાં આવી હતી.

આ પણ વાંચો: ઘાટકોપરમાં મુસ્લિમ ફેરિયાઓની દાદાગીરી: નજીવા કારણસર ગુજરાતી વેપારીની બેરહેમીથી મારપીટ

આરોપીઓએ ભારતીય ફૂટબૉલ ટીમ સાથે સંકળાયેલા ફરિયાદીના પતિ સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ પ્રકરણે ફરિયાદને આધારે વાકોલા પોલીસે ત્રણેય જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 74, 79, 126(2) અને 351(3) હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે આરોપીઓએ પણ ફૅશન ડિઝાઈનર મહિલા વિરુદ્ધ ધમકી આપવાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસ આ પ્રકરણે તપાસ કરી રહી છે.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button