‘પ્રોટેક્શન મની’ને નામે નવી મુંબઈના બિલ્ડરને ધમકાવનારા વિરુદ્ધ ગુનો
થાણે: ‘પ્રોટેક્શન મની’ને નામે 10 લાખ રૂપિયાની માગણી કરી નવી મુંબઈના બિલ્ડરને કથિત રીતે ધમકાવનારા શખસ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
નવી મુંબઈના નેરુળ પરિસરમાં રહેતા અને બેલાપુરમાં રિયલ એસ્ટેટનો વ્યવસાય ધરાવતા બિલ્ડરે આ પ્રકરણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે નેરુળ પોલીસે આરોપી સંજય કોળી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર મિત્ર સાથેના એક વિવાદની પતાવટ માટે 2015માં બિલ્ડરની ઓળખાણ આરોપી સાથે થઈ હતી. બાદમાં અલગ અલગ કારણો રજૂ કરી આરોપીએ સમયાંતરે બિલ્ડર પાસેથી ઊછીના રૂપિયા લીધા હતા. જોકે એ રૂપિયા પાછા ન આપનારા આરોપી સાથે બિલ્ડરે સંપર્ક તોડી નાખ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે 17 ડિસેમ્બરે આરોપીએ બિલ્ડરનો સંપર્ક સાધી 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. રૂપિયા ન આપે તો પેટ્રોલ રેડી જીવતા સળગાવી દેવાની ધમકી આરોપીએ આપી હતી. આરોપીની વારંવારની ધમકીને બિલ્ડરે અવગણી હતી.
રૂપિયા વસૂલવા આરોપી મંગળવારની સવારે બિલ્ડરના ઘરે પહોંચ્યો હતો. ફ્લૅટની બહારથી ધમકી આપ્યા પછી આરોપીએ દરવાજા પર પેટ્રોલ રેડ્યું હતું. આરોપી આગ ચાંપવાની ધમકી આપતો હોવાથી બિલ્ડરે પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કર્યો હતો. પોલીસની મદદ માગી હોવાનો અણસાર આવતાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો, એમ પોલીસનું કહેવું છે.
આ પ્રકરણે ભારતીય દંડ સંહિતાની કલમ 387, 504 અને 506(2) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)