લગ્નની લાલચે કર્મચારી પર બળાત્કાર પ્રકરણે સ્પા માલિક વિરુદ્ધ ગુનો

થાણે: લગ્નની લાલચે પચીસ વર્ષની કર્મચારી પર કથિત બળાત્કાર ગુજારવા બદલ પોલીસે સ્પાના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર આરોપી ઐરોલી વિસ્તારમાં સ્પા સેન્ટર ચલાવે છે અને છેલ્લા નવ મહિનામાં તેણે અનેક વાર યુવતી સાથે કથિત દુષ્કર્મ કર્યું હતું.
ફરિયાદમાં જણાવાયું હતું કે લગ્ન કરવાની ખાતરી અને વેતનમાં વધારો કરી આપવાની લાલચે આરોપીએ સૌપ્રથમ યુવતીના થાણે ખાતેના ઘરમાં તેની સાથે કથિત બળાત્કાર ગુજાર્યો હતો.
આપણ વાંચો: કોલકાતામાં સાત મહિનાની બાળકીનું અપહરણ અને બળાત્કાર
આરોપીની ઇચ્છા પૂરી કરવાની ના પાડવા પર યુવતીની મારપીટ કરવામાં આવતી હતી અને તેને ખરાબ પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી હતી, એવું નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
યુવતીની ફરિયાદને આધારે સોમવારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64, 115(2), 352 અને 351(2) હેઠળ સ્પાના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)