પદનો દુરુપયોગ કરી બૅન્કના બે કરોડ ચાંઉ કરનારા છ કર્મચારી સામે ગુનો
બૅન્કનું આર્થિક ભંડોળ પોતાનાં અને સગાંસંબંધીઓનાં બૅન્ક ખાતાંમાં વળતું કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ખાનગી બૅન્કની અંધેરી શાખામાં કામ કરતા છ કર્મચારીએ પદનો દુરુપયોગ કરી છેલ્લાં દોઢ વર્ષમાં બે કરોડથી વધુ રૂપિયા કથિત રીતે ચાંઉ કર્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ બૅન્કના ખાતામાંથી પોતાનાં અને સગાંસંબંધીઓનાં બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કર્યા પછી તેમની પાસેથી રોકડ સ્વરૂપે સ્વીકારી હતી.
આંતરિક તપાસમાં આ ભોપાળું બહાર આવતાં બૅન્કના અધિકારીએ એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે મંગળવારે સિદ્ધેશ પટનાઈક, રિષભ યાદવ, સાગર મિશ્રા, અજય યાદવ, શ્યામસુંદર ચૌહાણ અને વિકી શિંદે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે બૅન્કનાં છ ખાતાંમાંના ભંડોળનો ઉપયોગ કરવાની પરવાનગી બૅન્કના સંબંધિત વિભાગના 15 કર્મચારીને આપવામાં આવી હતી. આ કર્મચારીઓમાંથી છ કર્મચારીએ મોટા ભાગે બૅન્કનાં બે ખાતાંમાંથી રકમની કથિત ઉચાપત કરી હતી.
આપણ વાંચો: ED એ ટેન્ડર ગોટાળા કેસમાં IAS સંજીવ હંસ અને ધારાસભ્ય ગુલાબ યાદવની ધરપકડ કરી
બૅન્કનાં ખાતાઓમાંથી યોગ્ય પરવાનગી વિના ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હોવાની શંકા જતાં બૅન્કના અધિકારી દ્વારા આંતરિક તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સિદ્ધેશ પટનાઈકે તેના સહકર્મચારી વિકી શિંદેનો લૉગઈન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને 1.80 કરોડ રૂપિયા પાંચ અલગ અલગ બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કર્યા હતા.
બાદમાં સિદ્ધેશે એ પાંચ ખાતાંમાંથી 16.31 લાખ રૂપિયા બૅન્કના અન્ય ત્રણ કર્મચારી અજય યાદવ, રિષભ યાદવ અને શ્યામસુંદર ચૌહાણના ખાતાંમાં વળતા કર્યા હતા.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે સિદ્ધેશ પટનાઈક દ્વારા કરાઈ રહેલી આ ગેરરીતિની કોઈને જાણ કરવા માટે સાગર મિશ્રાએ સિદ્ધેશ પાસેથી 29.35 લાખ રૂપિયા લીધા હતા.
સિદ્ધેશે આ રકમ સાગરના સગાંસંબંધી અને મિત્રા ખાતાંમાં ટ્રાન્સફર કરી હતી, જે પછીથી સાગરે રોકડ સ્વરૂપે તેમની પાસેથી સ્વીકારી હતી. એપ્રિલ, 2023થી નવેમ્બર, 2024 દરમિયાન આ ગેરરીતિ આચરાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.