શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય વિરુદ્ધ ગુનો
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાન પરિષદના સભ્ય વિલાસ પોતનીસ અને એક પોલીસ જવાન વિરુદ્ધ મુંબઈના ગોરેગાંવના એક મતગણતરી કેન્દ્રમાં ચોથી જૂને જ્યારે પરિણામો જાહેર કરવામાં આવ્યા ત્યારે અનધિકૃત પ્રવેશ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો.
નેસ્કોના મતગણતરી કેન્દ્રમાં વાયવ્ય મુંબઈ લોકસભા બેઠકની મતગણતરી ચાલી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે આપેલી માહિતી અનુસાર રવિવારે પોતનીસ અને તેમના પોલીસ સુરક્ષા રક્ષક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: શિવસેના (યુબીટી) મુંબઈ આતંકવાદીઓને હવાલે કરવા માગે છે: શિવસેના
શિવસેના (યુબીટી)ના પરાજિત ઉમેદવાર અમોલ કિર્તીકરની સાથે મતગણતરી કેન્દ્રમાં આવ્યા હતા. રવીન્દ્ર વાયકરના પ્રતિનિધિ પ્રાજક્તા મહાલેએ પોતનીસ અને તેના સુરક્ષા રક્ષકની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો, જેને પગલે ચૂંટણી અધિકારીએ તેમને કેન્દ્રની બહાર જવાનો આદેશ આપ્યો હતો. આ પ્રકરણે મહાલેએ જ વાયવ્ય મુંબઈના ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. રવિવારે નંદકુમાર દેશમુખની ફરિયાદ પર પોતનીસ અને સુરક્ષા રક્ષક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોતનીસે પોતાના બચાવમાં કહ્યું હતું કે હું અજાણતાં મતગણતરી કેન્દ્રમાં જતો રહ્યો હતો. કેન્દ્રમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ કોઈએ મને રોક્યો નહોતો. જો કોઈએ મારા ધ્યાનમાં લાવી આપ્યું હોત કે મને પ્રવેશ કરવાની પરવાનગી નથી તો હું તત્કાળ ઊભો રહી ગયો હોત. જેવું ચૂંટણી અધિકારીએ મારું નામ લીધું કે તરત એક મિનિટની અંદર હું બહાર નીકળી ગયો હતો. (પીટીઆઈ)