એક કરોડ રૂપિયાની બનાવટી બૅન્ક ગૅરેન્ટી આપવા બદલ કંપની સામે ગુનો

થાણે: મેઈન્ટેનન્સ પ્રોજેક્ટ્સ મેળવવા માટે પનવેલ મહાનગરપાલિકામાં એક કરોડ રૂપિયાથી વધુની કથિત બનાવટી બૅન્ક ગૅરેન્ટી આપવા બદલ લાતુર જિલ્લાની કંપનીના પ્રતિનિધિ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
પનવેલ શહેર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ કંપનીએ 17 નવેમ્બર, 2022થી 26 ફેબ્રુઆરી, 2024 દરમિયાન પનવેલ મહાપાલિકાની હદમાં આવેલાં બધા જાહેર શૌચાલયોની જાળવણી, સમારકામ અને નવીનીકરણ અને નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં આવેલી શિવેજ પાઈપલાઈનના સમારકામના કોન્ટ્રાક્ટ્સ મેળવ્યા હતા.
કોન્ટ્રાક્ટ્સ અનુસાર કંપનીએ 1.32 કરોડ રૂપિયાની બૅન્ક ગૅરેન્ટી મહાપાલિકામાં આપવાની હતી. જોકે પાલિકા દ્વારા ચકાસણી કરવામાં આવતાં કંપની દ્વારા આપવામાં આવેલી બૅન્ક ગૅરેન્ટી બનાવટી હોવાનું જણાયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે પાલિકાના અધિકારીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ઠગાઈ કરવા બદલ કંપનીના પ્રતિનિધિ વિરુદ્ધ સોમવારે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)