પત્નીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા પ્રકરણે સીઆઈએસએફના જવાન વિરુદ્ધ ગુનો

થાણે: નવી મુંબઈમાં પત્નીને કથિત આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા પ્રકરણે પોલીસે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં રહેતા મૃતક અર્ચના સિંહ (31)ના ભાઈએ નોંધાવેલી ફરિયાદને આધારે ખારઘર પોલીસે શુક્રવારે અમોધ સિંહ (36) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપી અમોધ સિંહ સીઆઈએસએફમાં સબ-ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસ ફરિયાદ અનુસાર અર્ચનાનાં લગ્ન 30 નવેમ્બર, 2014ના રોજ અમોધ સાથે થયાં હતાં અને દંપતીને સાત અને ત્રણ વર્ષના બે પુત્ર છે. પિયરિયાં પાસેથી રૂપિયા લઈ આવવા માટે આરોપી પત્નીને શારિરીક અને માનસિક ત્રાસ આપતો હતો. સમયાંતરે તે પત્નીની મારઝૂડ પણ કરતો હતો.
પતિની સલાહથી પત્નીએ એક વાર શૅર્સમાં રોકાણ કર્યું હતું. જોકે તેમાં નુકસાન જતાં પતિ પત્નીને જ દોષ આપતો હતો. આ વાતે પણ આરોપીએ પત્નીને કથિત ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું, એમ ખારઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રાજીવ શેજવાલે જણાવ્યું હતું.
પત્નીના નામની જમીન આરોપી પોતાના નામે કરાવવા દબાણ કરી રહ્યો હતો. વળી, પત્નીનાં બૅન્ક ખાતાંમાંનાં નાણાં પોતાના અને પરિવારના સભ્યોના બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરવાનું તે વારંવાર કહેતો હતો. રૂપિયા ન આપે તો છૂટાછેડા આપી દેવાની ધમકી આરોપી આપતો હતો, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
પતિના ત્રાસથી કંટાળી અર્ચનાએ 3 મેના રોજ ખારઘર સેક્ટર-35ની ઈનોવેટિવ હાઈટ્સ કો-ઓપ. સોસાયટીમાં આવેલા તેમના ફ્લૅટમાં સીલિંગ ફૅન સાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તે સમયે પોલીસે એડીઆર નોંધ્યો હતો.
જોકે અર્ચનાના ભાઈની ફરિયાદ બાદ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 306, 323, 504 અને 506 હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો.