15 વર્ષ અગાઉ બળાત્કાર ગુજારવા પ્રકરણે બૉયફ્રેન્ડ સામે ગુનો
થાણે: જાલના શહેરમાં 15 વર્ષ અગાઉ બૉયફ્રેન્ડે બળાત્કાર ગુજાર્યો હોવાનો દાવો 31 વર્ષની પરિણીત મહિલાએ કરતાં નવી મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોપીના ભાઈએ ગર્ભપાત માટે દબાણ કરી પરિવારજનોને ધમકી આપી હોવાનો આક્ષેપ પણ મહિલાએ કર્યો હતો.
ખાંદેશ્ર્વર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પનવેલમાં રહેતી મહિલાએ આક્ષેપ કર્યો હતો કે તે રમેશ અખાડેને સારી રીતે ઓળખે છે. જાલનામાં રહેતાં હતાં ત્યારે 2009માં રમેશે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેને પગલે તે ગર્ભવતી બની હતી, એમ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું હતું.
પોતે ગર્ભવતી હોવાની જાણ મહિલાએ રમેશને કરી હતી. તે સમયે રમેશ અને તેના ભાઈ રાજુ અખાડેએ મહિલા અને તેની માતાને ધમકી આપી હતી. બાદમાં રાજુ અખાડે બળજબરીથી મહિલાને નવી મુંબઈના સાનપાડા લઈ આવ્યો હતો, જ્યાં તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
મહિલાએ બીજા યુવક સાથે લગ્ન કરી લીધાં હતાં. જોકે પતિથી અલગ થઈને પોતાની સાથે પનવેલમાં રહેવા માટે રમેશ મહિલાને કથિત રીતે દબાણ કરતો હતો. જોકે બન્ને વચ્ચે મતભેદ થતાં મહિલાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. પરિણામે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકરણે નવી મુંબઈ પોલીસે રવિવારે ઝીરો એફઆઈઆર નોંધી કેસ જાલના પોલીસમાં ટ્રાન્સફર કર્યો હતો. (પીટીઆઈ)