આમચી મુંબઈમહારાષ્ટ્ર

ક્રેડિટ સોસાયટી સંબંધિત કૌભાંડઃ મહારાષ્ટ્રમાં IPS ભાગ્યશ્રી નવટકે વિરુદ્ધ FIR

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ક્રેડિટ સોસાયટી સંબંધિત કૌભાંડમાં સંડોવાયેલી આઇપીએસ ઓફિસર ભાગ્યશ્રી નવટકે વિરુદ્ધ સીબીઆઈ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. સીબીઆઈએ ભાગ્યશ્રી નવટકે વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. ટૂંક સમયમાં તેની પૂછપરછ કરવામાં આવશે અને આ કૌભાંડના સંદર્ભમાં તેનું નિવેદન નોંધવામાં આવશે.

ઓગસ્ટમાં પુણે પોલીસે આઇપીએસ ભાગ્યશ્રી નવટકે વિરુદ્ધ બનાવટી અને ગુનાહિત કાવતરાના આરોપમાં એફઆઈઆર દાખલ કરી હતી. ભાગ્યશ્રીએ ૨૦૨૦-૨૧ વચ્ચે જળગાંવ સ્થિત ભાઈચંદ હીરાચંદ રાયસોની સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી સાથે સંકળાયેલા રૂ. ૧,૨૦૦ કરોડના કૌભાંડની તપાસનું નેતૃત્વ કર્યું હતું. હવે તે પોતે પણ આ જ તપાસમાં ફસાઈ ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે ઓગસ્ટ ૨૦૨૪માં આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.

આઇપીએસ અધિકારી ભાગ્યશ્રી નવટકે પુણેમાં ઈઓડબ્લ્યુ વિભાગમાં ડીસીપી રહી ચૂક્યા છે. આ કેસમાં, સીબીઆઈએ હવે ભાગ્યશ્રી નવટકે અને અન્ય વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૪, ૧૨૦ (બી), ૧૬૬, ૧૬૭, ૧૭૭, ૧૯૩, ૨૦૧, ૨૦૩, ૨૧૯, ૨૨૦, ૪૬૬, ૪૭૪ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે.

આપણ વાંચો: ક્રેડિટ સોસાયટી કૌભાંડ: આઇપીએસ ઓફિસર ભાગ્યશ્રી નવટક્કે વિરુદ્ધ ફોર્જરી બદલ ગુનો

એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે આવા ગુનાઓની તપાસ માટે પ્રચલિત પ્રક્રિયાને અનુસર્યા વિના સંબંધિત ગુનાની તપાસ આર્થિક અપરાધ શાખા દ્વારા કરવામાં આવી હતી. આ સિવાય પૂણે સીમાની બહાર એક જ જગ્યાએ સંયુક્ત ટુકડી મોકલીને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાય છે. પિંપરી ચિંચવડ અને પુણેમાં ગુનાઓની તપાસમાં દખલગીરી કરીને અને પ્રભાવ પાડીને અન્યાયી રીતે ગુનાઓ નોંધવાની ફરજ પાડવામાં આવી છે.

ગુનો નોંધવામાં આવ્યો તે પહેલાં ફરિયાદીઓને ઇરાદાપૂર્વક અને ખાસ કરીને પુણે અને આસપાસના વિસ્તારોમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. આ કેસમાં જોવા મળ્યું છે કે પસંદગીના આરોપી બનાવવા, મોટા પાયે ગુનો દર્શાવવો, ગંભીર પુરાવા પ્રત્યે જાણીજોઈને બેદરકારી, સત્તાવાર નિયમોમાં છેડછાડ કરવી અને પસંદગીની ચાર્જશીટ મોકલવા જેવા ઘણા કૃત્યો કરવામાં આવ્યા છે.

સીઆઈડીએ સૌપ્રથમ આ કૌભાંડની તપાસ કરી અને પ્રક્રિયાગત ક્ષતિઓ ઓળખી. સીઆઈડીના રિપોર્ટના આધારે મહારાષ્ટ્રના ગૃહ વિભાગના નિર્દેશો પર નવટકે અને અન્ય અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આઇપીએસ અધિકારી સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં ૧૨૦-બી (ગુનાહિત કાવતરાની સજા), ૪૬૬ (કોર્ટ અથવા જાહેર રજિસ્ટર વગેરેના રેકોર્ડમાં છેડછાડ), ૪૭૪ (બનાવટી દસ્તાવેજો ધરાવવા) અને ૨૦૧ (પુરાવા અદ્રશ્ય) નો સમાવેશ થાય છે. એક જ ગુના હેઠળ એક જ દિવસે ત્રણ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે, જે ક્ષતિ અને બનાવટ સંબંધી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button