I.N.D.I.Aમાં તિરાડ?: ઠાકરે અને પવાર એમવીએની બેઠકમાં નહીં જાય, જાણો કેમ?
નવી દિલ્હી/મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હંફાવવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળની વિપક્ષી પાર્ટીએ સૌથી મોટું ગઠબંધન (I.N.D.I.A) કર્યું છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપની સામે એમવી (મહાવિકાસ આઘાડી)ની પાર્ટી એક બનીને કેન્દ્ર સરકાર સામે બંડ પોકાર્યું છે, પરંતુ આ તમામ વિપક્ષી પાર્ટી એકમત થવામાં વિવાદ હોવાનું લાગે છે, કારણ કે પાટનગર દિલ્હીમાં આયોજિત એમવીએની બેઠક મુદ્દે સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. દિલ્હીમાં આયોજિત પાર્ટી શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવાર ઉપસ્થિત રહેવાના નથી.
આ અગાઉ શિવસેના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરે મહારાષ્ટ્રની લોકસભાની 23 સીટ પર ચૂંટણી લડવાનો દાવો કર્યો હતો. ઉપરાતં, સીટ-શેરિંગ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથ મમતા બેનરજી સાથે ચર્ચા-વિચારણા સાથે ખેંચતાણ ચાલુ છે.
ઉદ્ધવ ઠાકરે જૂથે તો મહારાષ્ટ્રની 48માંથી 23 લોકસભાની સીટ મુદ્દે દાવો કર્યો છે ત્યારે આવતીકાલની નવમી જાન્યુઆરીની બેઠક યોજવામાં આવનારી છે. એમવીએ (શિવસેના, એનસીપી, કોંગ્રેસ)ની બેઠક મુદ્દે સૌથી મોટા સમાચાર એ જાણવા મળ્યા છે કે મહારાષ્ટ્રના સૌથી મોટા જૂથના મોટા નેતા ગેરહાજર રહી શકે છે.
મહાવિકાસ આઘાડીની બેઠકમાં શરદ પવાર જશે નહીં. એનસીપી (શરદ પવાર જૂથ) વતીથી ચર્ચા માટે સુપ્રિયા સુળે દિલ્હી જશે, જ્યારે બીજી બાજુ ઠાકરે પણ જવાના નથી. ઠાકરેવતીથી એમવીએની બેઠકમાં શિવસેના જૂથના સાંસદ સંજય રાઉત અને વિનાયક રાઉત ઉપસ્થિત રહી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે સોમવારે જો મહા વિકાસ આઘાડીના સભ્યો બેઠક વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવામાં નિષ્ફળ જાય તો શિવસેના (યુબીટી)ને મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે વીબીએ સાથે જોડાણ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટી અને વીબીએ આગામી લોકસભા ચૂંટણીમાં ૨૪-૨૪ બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
મહારાષ્ટ્ર ૪૮ સભ્યોને લોકસભામાં મોકલે છે. રસપ્રદ વાત એ છે કે, ભાજપને ટક્કર આપવા માટે વીબીએ એ વિપક્ષી ‘I.N.D.I.A’ બ્લોકનો એક ભાગ છે કે કેમ તે અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી હોવા છતાં, શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે આંબેડકરની આગેવાની હેઠળની અઘાડી મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનનો સભ્ય છે.