Good News: મધ્ય રેલવેના પ્રવાસીઓને નવી એસી લોકલમાં મુસાફરી કરવાની મળશે સુવિધા, જાણો ક્યારથી?
મુંબઈઃ મધ્ય રેલવેમાં નવી આધુનિક એસી લોકલ ટ્રેનને લોન્ચ કરવાની યોજના છે. આ નવી એસી ઈએમયુ (એર કન્ડિશન્ડ ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ)માં વધુ કમ્ફર્ટેબલ અને સ્પેસિયસ હશે. એસી લોકલમાં સીટિંગ કેપેસિટીમાં વધારો કરવામાં આવેલો છે, જ્યારે ટ્રેનમાં વધુ જગ્યા ફાળવવામાં આવી છે. આ નવી એસી લોકલ ઉનાળા પૂર્વે ઓપરેશનમાં લાવી શકાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ટેસ્ટિંગ કર્યા પછી લોન્ચ કરવામાં આવશે
હાલના તબક્કે મધ્ય રેલવેને નવી એસી લોકલ ફાળવવામાં આવી છે, જે કુર્લા કારશેડમાં પાર્ક કરવામાં આવી છે. આધુનિક એસી લોકલ બ્લુ અને સિલ્વર કલરની છે. ઓપરેશનમાં લાવ્યા પૂર્વે એસી લોકલનું ટેસ્ટિંગ કરવામાં આવશે. રેલવેના અધિકારી દ્વારા નવી એસી લોકલ ટ્રેનનું ઈન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં સંપૂર્ણ ટેસ્ટિંગ કર્યા પછી ઓપરેશનમાં લાવવામાં આવશે.
આપણ વાંચો: મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો શું થયું…
નવી એસી લોકલમાં 1,116 સીટિંગ કેપેસિટી
પશ્ચિમ રેલવેમાં એસી લોકલ અગાઉથી દોડાવાય છે, જ્યાં સૌથી પહેલા લોન્ચ કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેની એસી લોકલમાં પણ અંડરસ્લંગ સિસ્ટમ ધરાવે છે, જેથી ટ્રેનમાં સીટિંગ કેપેસિટી વધારે રહે છે.
નવેમ્બર 2024માં મધ્ય રેલવેની પહેલી નવી એસી રેક મળી હતી. આધુનિક રેક એકદમ એડવાન્સ છે, જેમાં 1,116 પેસેન્જરની સિટિંગ કેપેસિટી ધરાવે છે, જ્યારે અગાઉની એસી લોકલમાં 1,028 પ્રવાસીની ક્ષમતા હતી. જોકે, સીટિંગ સિવાય સ્ટેન્ડિંગ કેપેસિટી 4,9836 યથાવત રહેશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: Cold Play Concert માટે મધ્ય રેલવે વિશેષ એસી ટ્રેન દોડાવશે
રોજની 66 એસી લોકલની ફેરી દોડાવાય છે
એર કન્ડિશન્ડ લોકલ ટ્રેનની વધતી માગને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેમાં સાતમી એસી લોકલ ઓપરેશનમાં સમાવેશ કરવામાં આવશે. હાલના તબક્કે મધ્ય રેલવેમાં છ એસી રેક મારફત 66 સર્વિસીસ દોડાવાય છે.
જોકે, નવી ટ્રેન મળતા સર્વિસમાં વધારો કરવામાં આવશે, જ્યારે મેઈન્ટેનન્સ માટે વધુ અનુકૂળતા ઊભી થઈ શકશે. નવી એસી લોકલમાં મોટરનું સ્થાન નીચે હોવાથી ચોમાસાના દિવસોમાં પરિસ્થિતિ વિકટ ઊભી થઈ શકે છે. જોકે, એક કરતા અનકે પરિબળોનું પરીક્ષણ કરીને લોન્ચ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.