‘દેશભક્ત બનો, ગાઝાનો મુદ્દો છોડો’ બોમ્બે હાઈકોર્ટના ટીપ્પણી, CPI(M)એ ટીકા કરી | મુંબઈ સમાચાર

‘દેશભક્ત બનો, ગાઝાનો મુદ્દો છોડો’ બોમ્બે હાઈકોર્ટના ટીપ્પણી, CPI(M)એ ટીકા કરી

મુંબઈ: ઇઝરાયલના સતત હુમલા અને નાકાબંધીને કારણે ગાઝામાં ઈતિહાસની સૌથી ભયંકર માનવ ત્રાસદી ઉભી (Humanitarian Crisis in Gaza) થઇ છે. યુનાઈટેડ નેશન્સે અનેકવાર અપીલ કરી હોવા છતાં ઇઝરાયલે ખોરાક અને દવાના ટ્રકસને ગાઝામાં પ્રવેશવા દીધા નથી, જેના કારણે લાખો લોકો મોતના મુખ તરફ ધકેલાઈ રહ્યા છે. દુનીયાના અનેક શહેરોમાં ઇઝરાયલના આ અમાનવીય વલણ સામે પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. એવામાં ગાઝાના લોકોના સમર્થનમાં મુંબઈમાં રેલી કાઢવા કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા-માર્કસવાદી(CPI-M)ની અરજી મુંબઈ પોલીસે ફગાવી દીધી હતી. જેની સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પણ CPI(M)ને ત્યાંથી નિરાશા મળી છે.

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રવિન્દ્ર વી ઘુગેએ CPI(M)ની અરજીને ફગાવી દેતા તેમણે કહ્યું, “પહેલા આપણા દેશ તરફ જુઓ, દેશભક્ત બનો, ગાઝાનું સમર્થન કરવુંએ દેશભક્તિ ન ગણાય. આપણા દેશમાં ઘણાં મુદ્દા છે, પહેલા તેના વિષે વાત કરો.”

આ પણ વાંચો: મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો

ગત મહીને મુંબઈ પોલીસને ઓલ ઈન્ડિયા પીસ એન્ડ સોલિડેરિટી ફાઉન્ડેશન (AIPSF) દ્વારા એક અરજી કરવામાં આવી હતી. અરજીમાં ગાઝાના સમર્થનમાં મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન કરવાની પરવાનગી માંગવામાં આવી હતી. પોલીસે આ અરજી મંજુર ના કરતા બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન, બોમ્બે હાઈ કોર્ટની બેન્ચે કહ્યું, “CPI(M) ભારતની એક રજિસ્ટર્ડ પોલીટીકલ પાર્ટી, તે પ્રદૂષણ, કચરાના પહાડો, પૂર, ગેરકાયદેસર પાર્કિંગ, ડ્રેનેજ જેવા મુદ્દાઓ ઉઠાવી શકે છે. પરંતુ તમે એવા મુદ્દાઓ ઉઠાવી રહ્યો છો જે આપણા દેશથી હજારો માઇલ દૂર છે.”

આ પણ વાંચો: બોમ્બે હાઈકોર્ટે અનિલ અંબાણીને રાહત આપી; MMRDAને ₹1169 કરોડ ચૂકવવા આદેશ

CPI(M)એ કોર્ટની ટીપ્પણી વખોડી:

CPI(M)ના પોલિટ બ્યુરોએ બોમ્બે હાઈકોર્ટ દ્વારા કરાયેલા અવલોકનોની કડક ટીકા કરી છે. એક નિવેદનમાં CPI(M)એ કોર્ટની ટિપ્પણીઓને “બંધારણ વિરોધી” અને “રાજકીય રીતે પક્ષપાતી” ગણાવી હતી. CPI(M)એ કહ્યું કે કોર્ટની ટીપ્પણી કોઈ ચોક્કસ રાજકીય પક્ષની સ્થિતિને દર્શાવતી હોય એવું લાગે છે.

CPI(M)એ કહ્યું “1940ના દાયકામાં મહાત્મા ગાંધીથી માંડીને અત્યાર સુધી ભારત દેશે પેલેસ્ટિનિયન લોકોના કાયદેસર અધિકારોને સમર્થન આપવામાં ક્યારેય ખચકાટ અનુભવ્યો નથી”

CPI(M)એ તેના નિવેદનમાં યુનાઈટેડ નેશન્સ અને ઇન્ટરનેશનલ કોર્ટ ફોર જસ્ટિસ દ્વારા ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીની નિંદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. પાર્ટીએ કહ્યું કે કોર્ટનો અભિગમ “વાસ્તવિકતાથી વિચલિત” હતો અને લોકશાહી સત્તાથી અલગ મત ધરવતા લોકો પ્રત્યે વધતી જતી અસહિષ્ણુતા દર્શાવે છે.

નાગરિક સંગઠનો પણ બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે, માનવીય ધોરણો પર ગાઝા વિષે જ્યારે સરકારે નક્કર પગલા ભરવાની જરૂર છે, ત્યારે પ્રદર્શન કરવાની મંજૂરી ન મળતા નાગરિક સંગઠનો નારાજ છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button