અશ્ર્લીલ કૃત્ય બદલ ગુનો દાખલ કરવાની ધમકી આપીને યુગલને લૂંટ્યું: બે કોન્સ્ટેબલ સામે ગુનો
નાગપુર: નાગપુરમાં અશ્ર્લીલ કૃત્ય બદલ ગુનો દાખલ કરવાની ધમકી આપીને એન્જિનિયરિંગના વિદ્યાર્થી અને તેની ગર્લફ્રેન્ડને લૂંટવા બદલ બે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વિદ્યાર્થીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોતાની ઓળખ પોલીસ તરીકે આપનારા બે અજાણ્યા શખસ સામે ગુનો દાખલ કરાયો હતો. જોકે 13 એપ્રિલે બનેલી ઘટનામાં કલમના પોલીસ સ્ટેશનમાં કાર્યરત બે કોન્સ્ટેબલની સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, એમ વાથોડા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
આપણ વાંચો: હિટલરનું મનોબળ તોડવા આવું કરવાની જરૂર હતી ખરી?!
આરોપી કોન્સ્ટેબલો પંકજ યાદવ અને સંદીપ યાદવે 13 એપ્રિલે રાતે એન્જિનિયરિંગના વિદ્યાર્થી અને તેની ગર્લફ્રેન્ડને આંતર્યાં હતાં. બંને જણ વાથોડા વિસ્તારમાં નિર્જન સ્થળે કારમાં બેઠાં હતાં. કોન્સ્ટેબલોએ અશ્ર્લીલ કૃત્ય બદલ કાનૂની કાર્યવાહી કરવાની યુગલને ધમકી આપી હતી. બાદમાં તેમણે વિદ્યાર્થીને માર માર્યો હતો.
કોન્સ્ટેબલોએ કાનૂની કાર્યવાહીથી બચવા વિદ્યાર્થી પાસે રૂ. એક લાખની માગણી કરી હતી. જોકે વિદ્યાર્થી પાસે રૂપિયા ન હોવાથી કોન્સ્ટેબલોએ બંનેને તેમની રૂ. 2.10 લાખની કિંમતની સોનાની ચેન સોંપવા દબાણ કર્યું હતું. આ બનાવ બાદ પોલીસ અધિકારીઓએ એ વિસ્તારમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને ગુનામાં સંડોવાયેલા બંને કોન્સ્ટેબલને ઓળખી કાઢ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)