મહારાષ્ટ્રમાં એમ્બ્યુલન્સ ખરીદીમાં ભ્રષ્ટાચારઃ આરોગ્ય વિભાગે આરોપોને ફગાવ્યા
મુંબઈ: મેડિકલ કટોકટીના સમયે તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સની સેવા આપી શકાય એના માટે એમ્બ્યુલન્સ ખરીદવાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર આચરીને 6,500 કરોડ રૂપિયા ચાંઉ કરી જવાયા હોવાનો આરોપ શરદ પવાર જૂથના વિધાનસભ્ય રોહિત પવારે સોમવારે લગાવ્યો હતો.
જોકે, મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતા દ્વારા આ આરોપ તદ્દન ખોટો હોવાનું જણાવતું નિવેદન આપવામાં આવ્યું છે. આરોગ્ય ખાતા તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં મેડિકલ સેવા પૂરી પાડવા માટે એમ્બ્યુલન્સ ખરીદવાની પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમ અનુસાર કરવામાં આવી હતી અને તેની માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ટિકિટ ન મળતા ભાજપના આ સાંસદ નારાજ, ઠાકરે જૂથમાં સામેલ થવાની ચર્ચા
આ પ્રક્રિયામાં કોઇપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી નથી. તેમણે આપેલા નિવેદનમાં વધારે જણાવવામાં આવ્યું હતું કે હજી સુધી આ એમ્બ્યુલન્સની માટે જેને ટેન્ડર સોંપવામાં આવ્યું છે તેની સાથે કરાર પણ કરવામાં આવ્યા નથી.
હજી સુધી એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડનાર સંસ્થાને કોઇ પણ પ્રકારની રકમ ચૂકવવામાં આવી નથી. હાલની જે એમ્બ્યુલન્સની સેવામાં છે તેને 10 વર્ષ પૂરા થઇ ચૂક્યા છે અને નિયમ અનુસાર તેમની સેવાની મુદત પૂરી થઇ ગઇ છે. જેના કારણે ટેક્નિકલ કારણોસર નવી એમ્બ્યુલન્સ સેવા માટે માન્યતા આપવામાં આવી હતી.
108 આ નંબર ઉપર ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર માટે નવા દર વધારાનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. સરકારી માન્યતા અનુસાર વાર્ષિક ભાવ-વધારાના 8 ટકા અને સેવા પૂરતી કરવા માટેના 51 ટકાના ભંડોળનો તેમા સમાવેશ કરવામાં આવ્યો નહોતો.