કોરોનાએ ચિંતા વધારી: રાજ્યના પ્રધાન ધનંજય મુંડે કોરોના પોઝિટિવ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોરોના વાઈરસના નવા વેરિયેન્ટ જેએન-વનને કારણે આરોગ્ય યંત્રણાની ચિંતામાં વધારો થયો છે. દેશમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા ઝડપભેર વધી રહી છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રમાં શનિવારે કુલ 19 નવા કોરોનાદર્દીની નોંધ થઈ છે અને આમાં રાજ્યના કૃષિ પ્રધાન ધનંજય મુંડે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળતાં રાજ્યની ચિંતામાં વધારો થયો છે.
ધનંજય મુંડેએ પોતે જ સોશ્યલ મીડિયા પર પોતે કોરોના પોઝિટિવ સિદ્ધ થયા હોવાની જાણકારી આપી હતી.
તેમણે પોતાના સંદેશમાં કહ્યું હતું કે નાગપુરમાં આયોજિત વિધાનસભાનું શિયાળુ સત્ર પૂર્ણ થયા બાદ અસ્વસ્થ લાગતું હોવાથી મેં કોરોના તપાસ કરાવી હતી અને ફરી એક વખત કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મળી છે. મને અત્યારે કોઈ ખાસ તકલીફ નથી, પરંતુ ડોક્ટરોની સલાહથી હું છેલ્લા ચાર દિવસથી ક્વોરન્ટાઈન થઈને સારવાર કરી રહ્યો છું. ચિંતાનું કોઈ કારણ નથી, હું ઘણી ઝડપથી સાજો થઈને ફરી કામે લાગી જઈશ.
તેમણે એમ પણ કહ્યું હતું કે અત્યારે ઠંડીનું વાતાવરણ છે અને કોવિડના નવા વેરિયેન્ટે આગમન કર્યું છે. લોકોએ ગભરાઈ જવાને બદલે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.