ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારાને ‘અનામત’નો લાભ નહીં: મહારાષ્ટ્ર સરકારનો કડક નિર્ણય…

મુંબઈ: મહારાષ્ટ્રમાં ક્રિપ્ટો ક્રિશ્ચિયન લોકો (જાહેરમાં અલગ ધર્મ અથવા કોઈ ધર્મનું પાલન ન કરવું, પણ જ્યારે ગુપ્ત રીતે ખ્રિસ્તી માન્યતાઓ અને પ્રથાઓને વળગી રહેતા લોકો ક્રિપ્ટો ક્રિશ્ચિયન તરીકે ઓળખાય છે) દ્વારા ધર્મ સ્વાતંત્ર્યનો દુરુપયોગ થઈ રહ્યો છે અને હિન્દુ ધર્મના અનુસૂચિત જાતિના લોકોને ગુપ્ત રીતે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા બળજબરી કરવામાં આવી રહી છે. આવા લોકો દ્વારા આ ધર્મના રીતરિવાજો, પરંપરાઓ અને પ્રાર્થનાઓનું ગુપ્ત રીતે પાલન કરવામાં આવી રહ્યું છે.
નોકરી મેળવવા માટે અનામતનો લાભ લીધો
અંતિમસંસ્કાર પણ ખ્રિસ્તી રીતે કરવામાં આવી રહ્યા છે અને તે સમયે તેમનો ખરો ધર્મ સ્પષ્ટ થાય છે. આ લોકોએ નોકરી મેળવવા માટે અનુસૂચિત જાતિના અનામતનો લાભ લીધો છે અને ચૂંટણી પણ લડી છે. ભાજપના વિધાનસભ્ય અમિત ગોરખેએ રાજ્યના નંદુરબાર, સાંગલી અને અહલ્યા નગર જિલ્લામાં આવા કેસ નોંધાયા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ નોટિસનો જવાબ આપ્યો હતો.
અન્ય ધર્મના લોકોને અનામત લેવાનો અધિકાર નહીં
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે 26 નવેમ્બર, 2024ના દિવસે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અનુસાર અનુસૂચિત જાતિ માટે અનામત ફક્ત હિન્દુઓ, બૌદ્ધો અને શીખ જ લઈ શકે છે. અન્ય ધર્મના લોકો અનામત ન લઈ શકે. અન્ય ધર્મના લોકોને અનામત લેવાનો અધિકાર નહીં રહે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને અનુલક્ષીને જો અન્ય ધર્મોએ અનુસૂચિત જાતિ માટે અનામત લીધી હશે તો તેમનું જાતિ પ્રમાણપત્ર અને જાતિ ચકાસણીનું પ્રમાણપત્ર રદ કરવામાં આવશે.
છેતરપિંડી રોકવા બીજા પગલાં અંગે વિચારણા કરાશે
જો કોઈએ અનામત દ્વારા સરકારી લાભ કે નોકરી મેળવી હશે તો તેનું પ્રમાણપત્ર રદ થયા બાદ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જો તમે અનામત કેટેગરીમાં ચૂંટણી લડ્યા હોય તો ખોટા પ્રમાણપત્ર રજૂ કરી અથવા રૂપાંતરિત કરી આવી ચૂંટણી રદ કરવાની કાયદામાં જ જોગવાઈ છે. ચૂંટણી પણ રદ કરવામાં આવશે. આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે બીજા પગલાં અંગે પણ વિચારણા કરવામાં આવશે એમ ફડણવીસે જણાવ્યું હતું.
અહેવાલનો અભ્યાસ કરશે અને જોગવાઈઓ તૈયાર કરશે
રાજ્યના પોલીસ મહાનિર્દેશકની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. ફસાવીને અથવા બળજબરીથી ધર્માંતરણ સામે કડક કાયદા માટે ભલામણો કરવાનું તેમને કહેવામાં આવ્યું હતું. સમિતિએ તેનો અહેવાલ રાજ્ય સરકારને મોકલ્યો છે. રાજ્ય સરકાર અહેવાલનો અભ્યાસ કરશે અને જોગવાઈઓ તૈયાર કરશે.
આ પણ વાંચો…ઇગ્લાસમાં 50 પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતન ધર્મમાં પાછા ફર્યા