આમચી મુંબઈમહારાષ્ટ્ર

દેવેન્દ્ર ફડણવીસના એ નિવેદન પર જાગ્યો વિવાદ

સંજય રાઉતે કહ્યું કે શિંદે માટે ઉપાય છે, મરાઠા સમાજ માટે નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કરેલું એક નિવેદન રવિવારે રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મહારાષ્ટ્રના બે મોટા વિપક્ષી નેતાઓએ ફડણવીસની ટીકા કરી હતી. જોકે, શિંદે જૂથના નેતા શંભુરાજ દેસાઈએ કહ્યું હતું કે બધું કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરીને કરવામાં આવ્યું હોવાથી પ્લાન-બીની આવશ્યકતા જ નથી.

ફડણવીસે એવો દાવો કર્યો હતો કે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા વિધાનસભ્યોની અપાત્રતાની પિટિશન પર જે સુનાવણી થવાની છે તેમાં એકનાથ શિંદે અપાત્ર સિદ્ધ નહીં થાય, પરંતુ જો તેઓ અપાત્ર થશે તો પણ મુખ્ય પ્રધાનપદે ચાલુ રહેશે. પ્લાન-બી હેઠળ તેમને વિધાન પરિષદની સદસ્યતા આપી દેવામાં આવશે. ત્યારબાદ આગામી છ મહિના સુધી તેઓ જ મુખ્ય પ્રધાન રહેશે અને તેમના નેતૃત્વ હેઠળ જ આગામી ચૂંટણી લડવામાં આવશે.

તેમના આ નિવેદનના રવિવારે અપેક્ષિત પડઘા પડ્યા હતા અને શિવસેના (ઉબાઠા) જૂથના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે એકનાથ શિંદે અપાત્ર થાય તો તેમને કેવી રીતે બચાવી લેવા તેનો ઉકેલ ભાજપના નેતાઓ પાસે તૈયાર છે, પરંતુ રાજ્યમાં મનોજ જરાંગેની તબિયત કથળી રહી છે. મરાઠા આરક્ષણના મુદ્દે રાજ્યમાં તંગદિલીભર્યું વાતાવરણ છે તેનો કોઈ ઉકેલ સરકાર પાસે નથી.

એકનું પુનર્વસન કરશો બાકીના 39નું શું? જિતેન્દ્ર આવ્હાડનો સવાલ

જ્યારે એનસીપીના શરદ પવાર જૂથના નેતા અને વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પણ આ મુદ્દે ફડણવીસની અને ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે શિંદે સહિત કુલ 40 જણા સરકારમાં સામેલ થયા હતા. એક વ્યક્તિનું પુનર્વસન વિધાન પરિષદમાં સ્થાન આપીને તમે કરી નાખશો પણ તેની સાથેના બાકીના 39 લોકોનું શું થશે? તેમનું ભવિષ્ય તો તમે ધુળધાણી કરી નાખશો એવા સંકેત મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button