હોટેલમાં ભૂલથી ધક્કો લાગ્યા પછી વિવાદ: ચાકુ હુલાવી યુવાનની હત્યા

યોગેશ સી પટેલ
થાણે: ડૉમ્બિવલીની હોટેલમાં ભૂલથી ધક્કો લાગ્યા પછી થયેલા વિવાદમાં ચાકુ હુલાવી યુવાનની કથિત હત્યા કરવામાં આવી હતી.
માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શનિવારની મધરાતે ડોમ્બિવલીના એમઆઈડીસી ફેસ-1 પરિસરમાં આવેલી હોટેલમાં બની હતી. ચાકુથી કરાયેલા હુમલામાં આકાશ ભાનુ સિંહ (38)નું મૃત્યુ થયું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર આકાશ મિત્રો સાથે જમવા માટે હોટેલમાં ગયો હતો, જ્યાં ભૂલથી તેનો ધક્કો આરોપીને લાગ્યો હતો. આ વાતને લઈ આરોપીએ વાંધો ઉઠાવ્યો હતો અને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.
કહેવાય છે કે આરોપી અને તેના સાથીઓએ આકાશની મારપીટ શરૂ કરી હતી. આકાશના બન્ને મિત્રે મધ્યસ્થી કરીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક આરોપીએ ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં આકાશનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેના બન્ને મિત્ર ગંભીર રીતે ઘવાયા હતા.
જખમીઓને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણે ચાર જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની હત્યાની અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વધુ તપાસ ચાલી રહી છે, એવું અધિકારીનું કહેવું છે. (પીટીઆઈ)
આપણ વાંચો: પાણીના ગળતર અને દૂષણની સમસ્યાનો અંત આવશે…



