બે પરિવાર વચ્ચેના ઝઘડામાં કોન્ટ્રેક્ટરના ભાઇની ગળું દબાવી હત્યા: પાંચ પકડાયા

મુંબઈ: કુર્લા વિસ્તારમાં બે પરિવારો વચ્ચેના ઝઘડા દરમિયાન પાલિકાના કોન્ટ્રેક્ટરના 50 વર્ષના ભાઇની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કુર્લા પશ્ર્ચિમમાં મેચ ફેક્ટરી લેન ખાતેના હુસૈની કમ્પાઉન્ડમાં શુક્રવારે સવારે આ ઘટના બની હતી.
આ કેસનો ફરિયાદી ઇશાક અબ્બાસ બેગ મુંબઈ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કોન્ટ્રેક્ટર છે. સ્થાનિક રહેવાસી રૂબિના અવારનવાર બેગ વિરુદ્ધ પાલિકામાં ફરિયાદ કરતી હતી કે બેગના કર્મચારીઓ યોગ્ય રીતે કામ નથી કરતા. આને કારણે બેગ અને રૂબિના વચ્ચે અનેકવાર ઝઘડા થતા હતા.
આપણ વાંચો: બીડ સરપંચ હત્યા: બાવનકુળે ધસને ‘તપાસમાં અવરોધ’ લાવનારી ટિપ્પણીઓથી દૂર રહેવા જણાવશે
દરમિયાન રૂબિનાની ફરિયાદ પર પાલિકાના કર્મચારીઓ ઘટનાને દિવસે હુસૈની કમ્પાઉન્ડ પહોંચ્યા હતા. થોડા સમય બાદ બેગ તેના ભાઇ અને અન્ય લોકો સાથે ત્યાં આવ્યો હતો. એ સમયે બેગનો રૂબિનાના પરિવારજનો સાથે ઝઘડો થયો હતો. આથી રૂબિના તરફના બે આરોપીએ બેગના ભાઇ કાસમનું ગળું દબાવતાં તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ બેગે આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં પોલીસે ધરપકડ કરેલા પાંચ આરોપીની ઓળખ રોશન ઝેહરા શેખ ઉર્ફે રૂબિના, સફદર હુસૈન સૈયદ, શબરેઝ હુસૈન સૈયદ, વાસિફ હુસૈન સૈયદ અને રૂકસાના દિલશાદ હુસૈન તરીકે થઇ હતી. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)