ઘોડબંદર રોડ પર કન્ટેનર ઊંધું વળ્યા પછી સળગી ઊઠ્યું: એકનું મોત
થાણે: થાણેથી ગુજરાત જઈ રહેલું ખાલી કન્ટેનર ઘોડબંદર રોડ પર ઊંધું વળ્યા પછી તેમાં આગ લાગી હતી. આગમાં દાઝેલા એક જણનું મૃત્યુ થયું હતું તો આ ઘટનાને કારણે લગભગ ત્રણ કલાક સુધી એક માર્ગ પરનો વાહનવ્યવહાર ઠપ રહ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની મધરાત બાદ અઢી વાગ્યાની આસપાસ ઘોડબંદર રોડ પર પાતલીપાડા ખાતે બની હતી. થાણેથી ગુજરાત તરફ જઈ રહેલું ખાલી કન્ટેનર એકાએક ઊંધું વળી ગયું હતું. ક્ધટેનર ઊંધું વળ્યા પછી તેમાં આગ લાગી હતી.
બનાવની જાણ થતાં બે ફાયર વાહન, એક ઈમર્જન્સી ટેન્ડર, એક રેસ્ક્યૂ વાહન, એમ્બ્યુલન્સ સાથે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ચિતળસર પોલીસ સ્ટેશનના અધિકારી અને ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ કલાક બાદ આગ પર પૂર્ણપણે નિયંત્રણ મેળવવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ કન્ટેનરમાંથી એક શખસનો બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ ડ્રાઈવરનો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.
ઘટનાને પગલે વાહનોની સતત અવરજવરવાળા ઘોડબંદર રોડ પરના એક તરફના માર્ગને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. બે હાયડ્રાની મદદથી ક્ધટેનરને રસ્તા પરથી દૂર ખસેડવામાં આવ્યું હતું. લગભગ ત્રણ કલાક પછી વાહનવ્યવહાર ધીમી ગતિએ ચાલુ કરવામાં આવ્યો હતો.