વિઝા હોવા છતાં દુબઈમાં નો-એન્ટ્રીઃ ટ્રાન્સજેન્ડર વ્યક્તિની ફરિયાદ ગ્રાહક પંચે ફગાવી
વિઝા જારી કરવા એ એક સાર્વભૌમ પ્રક્રિયા છે અને તેને સેવાની ઉણપ ગણી શકાય નહીં

મુંબઈ: વિઝા મળી ગયા હોવા છતાં દુબઈમાં પ્રવેશનો ઇનકાર કરવા બદલ મુંબઈમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) કોન્સ્યુલેટ જનરલ વિરુદ્ધ એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિની ફરિયાદને મુંબઈના ગ્રાહક નિવારણ પંચે ફગાવી દીધી છે.
મુંબઈ ઉપનગરીય જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે તેના તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019નો અધિકાર ભારતીય ક્ષેત્રના અધિકારક્ષેત્ર સુધી મર્યાદિત છે અને યુએઈ કોન્સ્યુલેટ અન્ય દેશની સાર્વભૌમ સત્તા હોવાને કારણે આ અધિકાર ક્ષેત્રની બહાર આવે છે. વિઝા જારી કરવા એ એક સાર્વભૌમ પ્રક્રિયા છે અને તેને હેતુ અથવા સેવાની ઉણપ ગણી શકાય નહીં.
આપણ વાંચો: 24 પૈસા માટે દાવો માંડનારા ગ્રાહકને જ કોર્ટે ફટકાર્યો 1000 નો દંડ…
ટ્રાન્સજેન્ડર ફરિયાદી વ્યક્તિ અને અન્યોએ ટ્રાવેલ એજન્સી દ્વારા પાંચ દિવસની ટૂર બુક કરાવી હતી, જેમાં વિઝા, મેડિકલ, વીમા ટિકિટ, હોટલ બુકિંગ સહિતની સમગ્ર પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, સમાધાન થયા બાદ એજન્સીનું નામ ફરિયાદમાંથી દૂર કરવામાં આવ્યું હતું.
1 ફેબ્રુઆરી, 2024 ના રોજ ફરિયાદી અને અન્ય લોકો દુબઈ પહોંચ્યા ત્યારે વિઝા ચેકિંગ અધિકારીએ તેમને એમ કહીને અટકાવ્યા હતા કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને દુબઈમાં પ્રવેશવાની મંજૂરી નથી.
મુંબઈની તાત્કાલિક રિટર્ન ફ્લાઈટ ખરીદવાની ફરિયાદીને ફરજ પાડવામાં આવતા ફરિયાદીએ યુએઈ કોન્સ્યુલેટ પાસેથી જાહેરમાં માફી માગવી, રિટર્ન ફ્લાઈટ માટે રૂ. ૧,૪૦,૫૪૩, દુબઈ ટૂર પેકેજ માટે રૂ. ૫,૧૯,૭૧૯, માનસિક સતામણી બદલ વળતર પેટે રૂ. ૨૦ લાખ તેમ જ મુકદ્દમા ખર્ચ પેટે રૂ. ૧૦,૦૦૦નું રિફંડ માગ્યું હતું.
રેકોર્ડ પરના દસ્તાવેજો જોયા પછી કમિશને નોંધ્યું હતું કે યુએઈના અધિકારીઓએ ફરિયાદીને માન્ય વિઝા જારી કર્યા હોવા છતાં દુબઈના ઇમિગ્રેશન અધિકારીઓ ટ્રાન્સજેન્ડર વ્યક્તિને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકે છે.
(પીટીઆઈ)