ડોંબિવલીમાં સ્ટેડિયમ બનાવવા રૂ. પચીસ કરોડનું ભંડોળ આપવાની સીએમની જાહેરાત
મુંબઈ: ડોંબિવલી ખાતે આવેલા જિમખાના મેદાન ખાતે સ્ટેડિયમ વિકસાવવાના કામકાજ માટે રૂ. 25 કરોડનું ભંડોળ પૂરું પાડવાની જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી. જિમખાના મેદાન પર સ્ટેડિયમ બનાવવા માટે જિમખાના પ્રશાસન દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન થઈ રહ્યો હતો. પણ હવે મુખ્ય પ્રધાનની જાહેરાત બાદ અહીં સ્ટેડિયમ બનાવવાનું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે.
જિમખાના મેદાન પર સ્ટેડિયમ વિકસાવવાના સરકારના નિર્ણયને લઈને અહીંના એક સ્થાનિક નાગરિકે કહ્યું હતું કે ડોંબિવલીમાં કોઈ પણ સ્ટેડિયમ ન હોવાથી અહીંના ખેલાડીઓને થાણે અથવા મુંબઈ જવું પડે છે, પણ હવે ડોંબિવલીમાં નવું સ્ટેડિયમ બન્યા બાદ ખેલાડીઓને મદદ મળશે.
ડોંબિવલી જિમખાના ખાતે વિકસાવવામાં આવતા સ્ટેડિયમમાં બેડમિંટન, ટેબલ ટેનિસ, જોગિંગ ટ્રેક વગેરે રમતોની સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. સ્ટેડિયમ બનાવવા માટે ગયા અનેક વર્ષોથી અરજી કરવામાં આવી રહી હતી. મહાવિકાસ આઘાડી સરકારનાં શાસન દરમિયાન જ્યારે એકનાથ શિંદે શહેરી વિકાસ પ્રધાન હતા ત્યારે તેમણે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને હવે માન્યતા મળી ગઈ છે.
ડોંબિવલી જિમખાનાને સ્ટેડિયમની ભેટ આપતા ભંડોળનું ધ્યાન રાખવામા આવ્યું છે. સ્ટેડિયમ અંગેની માહિતી એમઆઇડીસી વિભાગને આપવામાં આવી છે. આ પ્લાનમાં થોડા બદલાવ કર્યા બાદ મુખ્ય પ્રધાન દ્વારા જાહેર કરેલા ભંડોળ બાદ આ સ્ટેડિયમ બનાવવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. આ કામ માટે જરૂરી પરવાનગી મળ્યા બાદ તરત જ કામ શરૂ કરવામાં આવશે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.