આમચી મુંબઈ

ગોખલે બ્રિજનું નિર્માણઃ પશ્ચિમ રેલવેમાં આજે રાતની ટ્રેનસેવાને થશે અસર, અમુક ટ્રેન રદ

મુંબઈ: ગોખલે બ્રિજના બાંધકામ માટે પશ્ચિમ રેલવેમાં આજે મોડી રાતે 1.40 વાગ્યાથી સવારે 4.40 વાગ્યા સુધી અપ, ડાઉન, સ્લો, ફાસ્ટ અને હાર્બર લાઇનમાં બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે નવી બંધવામાં આવેલી પાંચમી અને છઠ્ઠી રેલવે લાઈનની લોકલ ટ્રેન સહિત લાંબા અંતરની મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોને પણ અસર થશે.

આજે રાતના બ્લોકને કારણે અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને અનેક લોકલ ટ્રેનોને રદ પણ કરવામાં આવી છે. બ્લોકને કારણે રાતે 10.18 વાગ્યે વિરારથી અંધેરી લોકલ, સવારે 4.25 વાગ્યે અંધેરીથી વિરાર લોકલ, રાતના 11.15 વાગ્યાની વસઇ રોડથી અંધેરી લોકલ, આવતીકાલે સવારે 4.40 વાગ્યાની અંધેરીથી વિરાર લોકલ, સવારે 4.5 વાગ્યાથી અંધેરી-ચર્ચગેટ લોકલ અને રાતે 12.31ની ચર્ચગેટથી વિલેપાર્લે જતી ટ્રેનોને રદ કરવામાં આવી હોવાની માહિતી રેલવે દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ સાથે સવારે 1.00 વાગ્યાની ચર્ચગેટથી બોરીવલી જતી લોકલને બાંદ્રા સુધી જ દોડાવવામાં આવશે તેમ જ સવારે 3.50 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ લોકલને બાન્દ્રાથી દોડાવવામાં આવવાની છે. આ ટ્રેનોને અધવચ્ચે રોકતી ટ્રેનો સાથે સવારે 3.25 વાગ્યાની વિરાર-ચર્ચગેટ લોકલને રાતે 15 મિનિટ સુધી રેગ્યુલેટ કરવામાં આવશે. સવારે 4.45ની બોરીવલી-ચર્ચગેટ લોકલને પણ 15 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. આ સાથે સવારે 3.35 વાગ્યાની વિરાર-બોરીવલી લોકલને પણ 10 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવી છે.

બ્લોકને લીધે લાંબા અંતરની મેલ અને એક્સ્પ્રેસ ટ્રેનોને અસર થવાની છે. જેમાં બરૌની-બાન્દ્રા ટર્મિનસ અવધ એક્સપ્રેસ 45થી 60 મિનિટ સુધી મોડેથી દોડે એવી શક્યતા છે. આ સાથે ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ પણ 30 મિનિટ જેટલી મોડેથી દોડે એવી માહિતી રેલવે દ્વારા જાહેર કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button