પર્યાવરણપ્રેમીઓની જીત: મેટ્રો-૯ માટે ડોંગરીમાં કારશેડ બાંધવાનું રદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘દહિસર-ભાયંદર મેટ્રો-૯ ’ રૂટ પરના ડોંગરી કારશેડને આખરે રદ કરવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા લેવામાં આવ્યો છે. ડોંગરી કારશેડના કામ માટે ૧૨,૦૦૦થી વધુ વૃક્ષોનું નિકંદન નીકળી જવાનું હતું, તેની સામે સ્થાનિક રહેવાસી અને પર્યાવરણપ્રેમીઓએ ભારે વિરોધ કરીને અહીં કારશેડ બાંધવાનું રદ કરવાની માગણી કરી હતી. છેવટે એમએમઆરડીએને પોતાનોે નિર્ણય પાછો લેવાની ફરજ પડી હતી.
એમએમઆરડીએ દ્વારા ૧૩.૫ કિલોમીટર લંબાઈનો દહિસર-ભાયંદર મેટ્રો-૯નું કામ બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે, તેમાંથી દહિસર-કાશીગાવના તબક્કાનું કામ ડિસેમ્બર અંતમાં શરૂ થવાનું હતું. જોકે આ રૂટ પરના કારશેડની સમસ્યાનું હજી નિરાકરણ થયું નથી. આ રૂટ પરના કારશેડ રાઈ, મુર્ધા, મોર્વામાં પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા પણ ત્યાંના ખેડૂત અને સ્થાનિક નાગરિકોએ તેની સામે વિરોધ કરતા કારશેડને ડોંગરીમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું.
ડોંગરીમાં કારશેડ બાંધવા માટે સરકારે મંજૂરી આપી હતી ત્યારબાદ એમએમઆડીએ દ્વારા ડોંગરીમાં ૫૭ હેકટર જગ્યાના તાબામાં લઈને તેના પર કારશેડ બાંધવા માટેની તૈયારી શરૂ કરી હતી. આ કામ માટે ૧૨,૦૦૦થી વધુ વૃક્ષોને કાપવામાં આવવાના હતા.
ઝાડ કાપવા માટેની મંજૂરી પણ મળી ગઈ હતી. જોકે કારશેડને ડોંગરીમાં બાંધવાના નિર્ણય સામે ભાયંદરના ઉત્તન, ડોંગરી સહિત આજુબાજુના ગામના રહેવાસીઓ અને પર્યાવરણપ્રેમીઓએ વિરોધ કરીને કારશેડ રદ કરવાની માગણી સાથે જનઆંદોલન શરૂ કર્યું હતું. ભારે વિરોધને પગલે છેવટે એમએમઆરડીએ દ્વારા ડોંગરીમાં કારશેડ બાંધવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે અને મંગળવારે તેની જાહેરાત કરવામાં આવી હતી.



