અકસ્માતમાં જીવ ગુમાવનારા કોન્સ્ટેબલના પરિવારને 1.12 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અકસ્માતમાં જીવ ગુમાવનારા કોન્સ્ટેબલના પરિવારને 1.12 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણે જિલ્લામાં 2022માં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા પોલીસ કોન્સ્ટેબલના પરિવારને 1.12 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ થાણેની મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી)ને આપ્યો હતો.

શુક્રવારે અપાયેલા આદેશમાં ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતેએ એમએસઆરટીસીને વાર્ષિક નવ ટકાના વ્યાજ સાથે વળતરની રકમ ચૂકવવાનો નિેર્દેશ આપ્યો હતો.

મુંબઈ પોલીસમાં ફરજ બજાવતો ગિરીશ અશોક હરડ (30) તેના સ્કૂટર પર નાઈટ ડ્યૂટી પર જોડાવા જઈ રહ્યો હતો. બદલાપુર બાજુથી મુરબાડ તરફ પૂરપાટ વેગે જઈ રહેલી એસટી બસે થાણે જિલ્લાના સોનાવલે ગામ નજીક હરડના સ્કૂટરને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હરડનું સારવાર દરમિયાન કલ્યાણની હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: અકસ્માતમાં મૃત્યુ પામેલા પાલિકાના કર્મચારીના પરિવારને 39.3 લાખ વળતર ચૂકવવાનો આદેશ

અકસ્માત પ્રકરણે કુળગાંવ પોલીસે એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો અને બાદમાં કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું. ઘટના બની તે સમયે હરડનો માસિક પગાર 58,822 રૂપિયા હતો. તેની આવક પર પત્ની, સગીર પુત્રી, વડીલો અને અપરિણીત બહેન નભતાં હતાં.

એમએસઆરટીસી વતીલ એડ્વોકેટ એચ. પી. પાટીલે દલીલ કરી હતી કે મૃતકની બેદરકારીથી જ અકસ્માત થયો હતો. એસટી યોગ્ય બાજુથી જતી હતી, પરંતુ સામેની દિશામાં આવેલું સ્કૂટર પૂરપાટ વેગે હતું. સ્કૂટર સ્લિપ થવાને કારણે બસ સાથે અથડાયું હતું.

આ પણ વાંચો: 2019ના અકસ્માતના બે પીડિતને 34 લાખનું વળતર આપવાનો થાણે એમએસીટીનો આદેશ

ક્લેઈમ કરનારા વતી વકીલ એમ. એ. પેંડસેએ એઆઈઆર, ઘટનાસ્થળનું પંચનામું, પોસ્ટમોર્ટમનો અહેવાલ અને આરોપનામા સહિતના પુરાવાર રજૂ કર્યા હતા.

ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે અકસ્માતના સમયે રસ્તો ભીનો હતો, જેનો અર્થ એ છે કે અકસ્માત સમયે અથવા તે પહેલાં વરસાદ વરસ્યો હતો. આવી સ્થિતિમાં બન્ને ડ્રાઈવરોએ તેમનાં વાહનો ચલાવતી વખતે સાવચેતી રાખવી અપેક્ષિત હતી. અકસ્માત માટે બન્ને ડ્રાઈવરની બેદરકારી જવાબદાર હતી, જેમાં કોન્સ્ટેબલની 20 ટકા અને બસ ડ્રાઈવરની 80 ટકા બેદરકારી હતી.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button