પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની મારપીટ: ત્રણ મહિલા સહિત પાંચ જણ સામે ગુનો

મુંબઈ: પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની મારપીટ કરવા બદલ ત્રણ મહિલા સહિત પાંચ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
કાંદિવલીના સમતાનગર પોલીસ સ્ટેશનમાં મંગળવારે રાતે આ ઘટના બની હતી અને પોલીસે પાંચ જણમાંથી બેની ધરપકડ કરી હતી.
ટ્રાફિક કોન્સ્ટેબલે ડ્રન્ક એન્ડ ડ્રાઇવિંગ બદલ આરોપી અજય રમેશ બામણેને પકડી પાડ્યો હતો અને તેને બાદમાં પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો. અજય બામણે સાથે કારમાં બીજા બે જણ પણ હાજર હતા.
આ પણ વાંચો: દેવનારમાં ગર્દુલ્લાઓએ ચાકુથી કરેલા હુમલામાં બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ…
પોલીસ સ્ટેશનમાં બામણેએ ટ્રાફિક કોન્સ્ટેબલને ગાળો ભાંડી હતી. એ સમયે બામણેના અન્ય બે મિત્ર પણ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા.
સમતાનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ રોકવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ તેમની સાથે ધક્કામુક્કી કરી હતી અને ગાળો ભાંડી હતી.
પોલીસે આ પ્રકરણે ત્રણ મહિલા સહિત પાંચ જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને અજય બામણે તથા ગણેશ બામણેની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)