210 બેઠક માટે MVAમાં સર્વસંમતિ: સંજય રાઉતે ભાજપ પર મૂક્યો મોટો આરોપ

મુંબઈ: મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી 210 બેઠક પર મહા વિકાસ અઘાડી (MVA)માં સર્વસંમતિ થઈ ગઈ છે જે એક ‘મોટી સિદ્ધિ’ છે, એમ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આજે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના, ભાજપ અને અજિત પવારના નેતૃત્વ હેઠળની NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના શાસક જોડાણ પર આકરા પ્રહાર કરી તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને લૂંટતા દળોને ચૂંટણીમાં હરાવવાનો આમારો હેતુ છે.
સંવાદદાતાઓને વિગતો આપતા રાઉતે જણાવ્યું હતું કે ‘અમે 210 બેઠક પર સર્વસંમતિ સાધી છે. આ મોટી સિદ્ધિ છે. અમારું લક્ષ્ય સંયુક્ત તાકાત તરીકે ચૂંટણી લડવાનું છે અને અમે મહારાષ્ટ્રને લૂંટી રહેલા દળોને હરાવી દઈશું.’ એમવીએમાં શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી (SP)નો સમાવેશ થાય છે.
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટી એમવીએથી અલગ થઈ તમામ 288 બેઠક પર પોતાના જોર પર ચૂંટણી લડી શકે છે એવા અહેવાલો ન્યુઝ ચેનલો તરફથી વહેતા કરવામાં આવ્યા બાદ રાઉતની આ ટિપ્પણી આવી છે.
બેઠકોની વહેંચણીના મુદ્દે કોંગ્રેસ અને શિવસેના વચ્ચે સમજૂતી નથી થતી એવી અટકળો છેલ્લા કેટલાક દિવસથી વહેતી થઈ છે. રાઉતે અમિત શાહને ફોન કર્યો અને 2019માં વિખુટા પડેલા શિવસેના (યુબીટી) અને ભાજપ ફરી ભેગા થશે એવા સંકેત હોવાની ધારણા વચ્ચે રાઉતની ટિપ્પણી આવી છે.
ફોન પર થયેલી વાતચીત વિશે પૂછવામાં આવતા રાઉતે કહ્યું કે ‘ભાજપ ખોટા સમાચાર ફેલાવી રહ્યો છે. આ કોણ કરી રહ્યું છે એ બધા જાણે છે. પક્ષને વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો ભય હોવાથી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.’
(પીટીઆઈ)