મુંબઈની બેઠકોની વહેંચણીમાં ઉદ્ધવ-શરદ પવારના અક્કડ વલણથી કૉંગ્રેસમાં નારાજગી…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં, વિપક્ષ મહાવિકાસ અઘાડી (મહાવિકાસ અઘાડી) સીટ ફાળવણીમાં વ્યસ્ત છે. મુંબઈની 36 વિધાનસભા બેઠકોમાંથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ 21 બેઠકો પર દાવો માંડ્યો છે. ઠાકરેની પાર્ટીએ તે માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત શરદ પવાર સાતથી વધુ સીટોની માગણી કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લેવામાં આવે તો કોંગ્રેસને માત્ર 8 બેઠકો જ મળશે. આથી અહીં બેઠકોની ફાળવણીને લઈને મોટો હોબાળો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દિવાળી પહેલાં યોજાવાના એંધાણ, ક્યારે જાહેર થશે આચારસંહિતા ?
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શિવસેના (યુબીટી)એ મુંબઈની 36માંથી 21 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શરદ પવાર સાત બેઠકો ઈચ્છે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે માત્ર આઠ બેઠકો બચી હોવાથી પાર્ટીમાં નારાજગી જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારે મુંબઈમાં અંધેરી-વેસ્ટ, વર્સોવા, કુર્લા, અણુશક્તિ નગર, દહિસર, ઘાટકોપર-ઈસ્ટ અને ઘાટકોપર-વેસ્ટ સીટોની માંગણી કરી છે.
ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં તમામ પક્ષો પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીમાં સીટ ફાળવણી અને મુખ્ય પ્રધાનના ચહેરાને લઈને આંતરિક મતભેદો હોઈ શકે છે, પરંતુ આઘાડીના નેતાઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં સરકાર બનાવવાનો દાવો કરતા જોવા મળે છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાલાસાહેબ થોરાતે ગુરુવારે કહ્યું હતું કે એમવીએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288માંથી 180થી વધુ બેઠકો જીતશે. તેમણે ઉમેર્યું હતું કે મહાવિકાસ આઘાડીમાં 125 બેઠકો પર સહમતી સધાઈ છે અને બાકીની બેઠકો માટે વાતચીત ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે જૂથ, મહાવિકાસ આઘાડીમાં શરદ પવાર જૂથે લોકસભાની જેમ વિધાનસભામાં પણ ચમત્કાર કરવાની યોજના બનાવી છે.
દરમિયાન તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સંજય રાઉતે દાવો કર્યો હતો કે મુંબઈમાં મહાવિકાસ અઘાડી મજબૂત સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે મુંબઈમાં મહાયુતિ માટે પડકાર હતો. તેમણે મહાવિકાસ અઘાડીમાં સીટ ફાળવણી અંગે કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે મહાવિકાસ અઘાડીમાં 125 બેઠકો પર સહમતિ સધાઈ છે. સંજય રાઉતે ખુલાસો કર્યો હતો કે મહાયુતિ માટે કોઈ સીટ સ્યોર-વિન નથી.