
મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ અને અનિલ દેશમુખ વચ્ચે ઊભા થયેલા વિવાદમાં ભાજપ અને તેના સાથી પક્ષ દેવેન્દ્ર ફડણવીસના બચાવમાં ઊતર્યા છે ત્યારે મહાવિકાસ આઘાડીના નેતાઓ અનિલ દેશમુખની તરફેણમાં નિવેદનો આપી રહ્યા છે. કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોલેએ ભાજપની સરકાર વિપક્ષને ડરાવતી હોવાનો આરોપ મૂક્યો હતો ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપની સરકાર વિપક્ષની પાછળ ઇડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને સીબીઆઇ(સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની ધાક બતાવીને તેમને પોતાના પક્ષમાં સામેલ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.
નાના પટોલેએ દેશમુખના આરોપોને સમર્થન આપતા કહ્યું હતું કે 2014માં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ ભાજપની વિરુદ્ધ બોલનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પ્રયોગ ચાલે છે. અનિલ દેશમુખના આરોપો સાચા છે. તેમના પર મહાવિકાસ આઘાડીના નેતાઓ વિરુદ્ધ નિવેદન આપવાનું દબાણ હતું.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ મામલે જણાવ્યું હતું કે જ્યારે અનિલ દેશમુખ જેલમાં હતા ત્યારે તેમણે મને આ વાત જણાવી હતી. એનક નેતા, વિધાનસભ્યો, સાંસદો જે હવે ભાજપની સાથે છે તેમને આ રીતે ડરાવીને ભાજપમાં જોડાવવા મજબૂર કરાયા છે. દેશમુખને એક કાવતરું રચીને જેલમાં મોકલવામાં આવ્યા હતા.