વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની પાંચ બેઠકો પર સાંગલી પેટર્ન?
![Congress supporters discussing Sangli pattern strategy for Maharashtra assembly elections](/wp-content/uploads/2024/10/Maharashtra-election-Congress-CEC-meeting.webp)
મુંબઈ: મહાવિકાસ આઘાડી (મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024)ની બેઠકોની વહેંચણીનો મુદ્દો હજુ કેટલીક બેઠકો પર અટવાયેલો છે. શિવસેના યુબીટી અને કોંગ્રેસમાં સૌથી મોટા મતભેદો બહાર આવી રહ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી જેવી સાંગલી પેટર્ન પાંચ વિધાનસભા ચૂંટણીમાં અમલમાં મૂકવાની તૈયારી કરી છે કેમ કે અત્યારે તો આ બેઠકો પર કોઈ સમાધાન બંને પક્ષે જોવા મળતું નથી.
રામટેક
કોંગ્રેસના સાંસદ શ્યામકુમાર બર્વે લોકસભામાં રામટેકથી ચૂંટાયા હતા. તેથી કોંગ્રેસે રામટેક વિધાનસભા બેઠક પર દાવો કર્યો છે. જો કે 2019 માં અહીં અપક્ષ ઉમેદવાર આશિષ જયસ્વાલ લડ્યા હતા અને તેઓ શિવસેનામાં જોડાયા હતા અને ત્યાંથી તેઓ શિંદેસેના સાથે ગયા હતા. તેના કારણે ઉદ્ધવ ઠાકરેએ રામટેક બેઠક પર દાવો કર્યો છે. કોંગ્રેસ પણ આ બેઠક છોડવા તૈયાર નથી.
સાંગોલા
સાંગોલા વિધાનસભા મતવિસ્તાર મહાવિકાસ આઘાડી દ્વારહા શેકાપને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને શેકાપે ડૉ. બાબા સાહેબ દેશમુખની ઉમેદવારી જાહેર કરી છે. જો કે, ઉદ્ધવ ઠાકરેએ ખાસ ફોન કરીને ભૂતપૂર્વ વિધાનસભ્ય દીપક આબા સાળુંખે-પાટીલને ફોન કરીને માતોશ્રી પર બોલાવ્યા હતા અને તેમને અધિકૃત ઉમેદવાર જાહેર કરીને એબી ફોર્મ પણ આપ્યું હતું. શેકાપના પૂર્વ ધારાસભ્ય જયંત પાટીલે એવી ચેતવણી ઉચ્ચારી છે કે શેકાપને સાંગોલાની બેઠક નહીં મળી તો શેકાપ કોઈપણ બેઠક પર ચૂંટણી લડશે નહીં. આથી જ અહીં સાંગલી પેટર્ન લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: ભાજપે 8 રાજ્યોની વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ…
દર્યાપૂર
2009માં ભાજપ અને 2014માં શિવસેનામાં રહેલા કેપ્ટન અભિજીત અડસુલ આ બેઠક પરથી વિજયી થયા હતા, પરંતુ 2019માં તેમને હરાવીને કોંગ્રેસના અત્યારના સાંસદ બળવંત વાનખેડેએ વિજય મેળવ્યો હતો. 2019માં કોંગ્રેસના વિજય માટે જવાબદાર ગુણવંત દેવપારે માટે કૉંગ્રેસ આ બેઠક માટે આગ્રહ રાખી રહ્યું છે અને તેથી આ બેઠક પર સાંગલી પેટર્ન જોવા મળે તેવી શક્યતા છે.
દક્ષિણ નાગપુર
2019ની ચૂંટણીમાં ભાજપના મોહન મતે અને કોંગ્રેસના ગિરીશ પાંડવ વચ્ચે આ બેઠક પર લડત થઈ હતી. 4013 મતે પાંડવનો પરાજય થયો હતો. આ વખતે કોંગ્રેસે ફરી એકવાર પોતાનોે દાવો માંડ્યો છે. જો કે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રમોદ માનમોડેએ અહીં પોતાનો દાવો માંડ્યો છે, બીજી તરફ કૉંગ્રેસ પણ નમતું જોખવા તૈયાર નથી. આને કારણે આ બેઠક પર પણ સાંગલી પેટર્ન જોવા મળી શકે છે.
આ પણ વાંચો: તો શું લોરેન્સ બિશ્નોઇ હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે!
પંઢરપુર – મંગલવેઢા
કોંગ્રેસના પૂર્વ નેતા ભરત ભાલકેના પુત્ર ભગીરથ ભાલકેએ ઉમેદવારી માગી છે. ભાલકે ભૂતપૂર્વ કોંગ્રેસી હોવાથી કોંગ્રેસ તેમને ઉમેદવારી આપવા તૈયાર છે. શરદ પવારની પાર્ટીએ પણ આ બેઠક પર દાવો કર્યો છે. શરદ પવાર ભાજપના પ્રશાંત પરિચારકને ઉમેદવારી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવું થાય તો ભાલકે અને કોંગ્રેસના આગેવાનો અપક્ષ લડવાની તૈયારી કરી રહ્યા છે. તેથી અહીં કોંગ્રેસ મૈત્રીપૂર્ણ લડાઈની સાંગલી પેટર્ન અપનાવે તેવી શક્યતા છે.
શું છે સાંગલી પેટર્ન?
લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેએ સાંગલી બેઠકના ઉમેદવાર તરીકે ચંદ્રહાર પાટીલની જાહેરાત કરી હતી, જેનો કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ થયો હતો. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસંતદાદા પાટીલના પૌત્ર વિશાલ પાટીલે બળવો કર્યો હતો અને તેને પ્રદેશ પ્રમુખ નાના પટોલે સહિત રાજ્યના તમામ નેતાઓએ જોરદાર સમર્થન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે વિશાલ પાટીલ કોઈપણ સંજોગોમાં પીછેહઠ કરશે નહીં. જે બાદ પાટીલની ભારે સરસાઈથી જીત થઈ હતી. અત્યારે વિવાદમાં રહેલી પાંચેય બેઠકો પર આ જ પેટર્નનો અમલ કરવાનો પ્રયાસ કૉંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યો છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.