કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની લોકસભા ચૂંટણી માટે 23 બેઠકોની માગને ફગાવી
2024માં લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે. એવા સમયે દરેક પક્ષો પોતાની સમીકરણો માંડવા બેઠા છે. એવા સમયે એવા સમાચાર જાણવા મળ્યા છે કે હારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી માટે 23 બેઠકોની માગ કરી છે, જેને કૉંગ્રેસે સાફ રીતે નકારી કાઢી છે. ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં શિવસેનાએ 23 બેઠકોનો દાવો કર્યો હતો. ઉદ્ધવ જૂથે જણાવ્યું હતું કે છેલ્લી લોકસભા ચૂંટણીમાં તેમના ઉમેદવારોએ ઘણી બેઠકો જીતી હતી. જોકે, હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મોટાભાગના ઉમેદવારો એકનાથ શિંદે કેમ્પમાં જતા રહ્યા છે .
કૉંગ્રેસના નેતાઓએ એવી દલીલ કરી હતી કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીમા ંબળવો થયા બાદ હવે તો કૉંગ્રેસ જ એક મોટો પક્ષ છે. પૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે દરેક પક્ષે સમજવાની જરૂર છે. દરેક પક્ષની ઇચ્છા છે કે તેને મેક્સિમમ સીટ મળે, પણ વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની 23 બેઠકોની માગ ઘણી વધારે છે.
આ સમયે કૉંગ્રેસ નેતા સંજય નિરૂપમે પણ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે શિવસેનાને 23 બેઠકો જોઇએ છે, એ તો ઠીક છે, પણ શિવસેના 23 બેઠકોનું શું કરશે? તેમની પાસે એટલા ઉમેદવારો જ નથી. તેમની પાસે હવે ઉમેદવારો જ નથી.
2019માં અવિભાજિત શિવસેના NDA ગઠબંધનનો ભાગ હતી, પણ ઉદ્ધવ ઠાકરેની શિવસેના હવે મહા વિકાસ અઘાડીનો ભાગ છે. એકનાથ શિંદે અને અન્ય 40 ધારાસભ્યોએ 2022ના જૂનમાં બળવો કર્યો , જેના કારણે એકનાથ શિંદે અને અન્ય 40 ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકારનું પતન થયું. ત્યાર બાદ એકનાથ શિંદેએ ભાજપ સાથએ હાથ મિલાવી સરકાર બનાવી.