પનોતી કોણ છે તે કૉંગ્રેસને સમજાઈ ગયું હશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચાર રાજ્યોના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી છે. આ યશ જનતાનો મોદી પરનો વિશ્ર્વાસ દર્શાવે છે અને જનતાએ મોદી પર જે વિશ્વાસ દાખવ્યો છે તેમાંથી આવ્યો છે. વડા પ્રધાન મોદીએ જે રીતે ગરીબોનું કલ્યાણ કરવા માટેનો એજેન્ડા ચલાવ્યો છે. સામાન્ય માનવીના મનમાં બેસી ગયું છે કે સરકાર તેમને માટે કામ કરી રહી છે અને તેનો પ્રતિસાદ આ વિજયમાં જોવા મળ્યો છે,એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું.
આ વિજયનું શ્રેય ખરા અર્થમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું છે. તેમ જ અમારા અધ્યક્ષ જે. પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સાથે જે ભાજપની આખી ટીમ છે તે બધાનું શ્રેય છે. આ બધાને હું મનથી અભિનંદન આપી રહ્યો છું.
પનોતી કોણ છે તે હવે કોંગ્રેસને સમજાઈ ગયું હશે. ચૂંટણીના પરિણામોમાં તે દેખાઈ આવ્યું છે. આને કારણે હવે રાહુલ ગાંધી કે કોંગ્રેસના લોકો હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આવા શબ્દો વાપરશે નહીં એવી મને ખાતરી છે. અમને સફળતા મળે એટલે તેને ઈડી, સીબીઆઈ દ્વારા મળેલી સફળતા છે એમ કહેવાનું અને તેમને વિજય મળે ત્યારે જનતાનો ચુકાદો છે એમ કહેવાનું આ માનસિકતામાંથી જ્યાં સુધી તેઓ બહાર નહીં આવે ત્યાં સુધી તેઓ વિજયી થઈ શકશે નહીં, એમ પણ ફડણવીસે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપના મતની ટકાવારીમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં આઠ ટકા, છત્તીસગઢમાં 14 ટકા મત વધ્યા છે. કુલ 639 માંથી 339 બેઠકો પર ભાજપને વિજય મળ્યો છે. પચાસ ટકા કરતાં વધુ બેઠકો ભાજપને મળી છે. કૉંગ્રેસે ઈન્ડિયા આઘાડીને નકારી કાઢી છે.