વિધાનસભા અને પરિષદમાં રિક્ત વિપક્ષી નેતાના પદો અંગે કોંગ્રેસના નેતાઓ મુખ્ય પ્રધાન અને સ્પીકરને મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય વિધાનસભાના બંને ગૃહોમાં વિપક્ષી નેતાઓના ખાલી પદો ભરવા અંગે વહેલા નિર્ણય લેવાની માગણી સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને મળ્યા હતા.
શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેનો કાર્યકાળ ગયા મહિને પૂરો થયા બાદ કોંગ્રેસ પરિષદમાં વિપક્ષી નેતાના પદ પર નજર રાખી રહી છે.
બીજી તરફ વિધાનસભામાં વિપક્ષી નેતાના પદ માટે સેના (યુબીટી)નો દાવો છે. નવેમ્બર 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર આ પદ પર કાર્યરત હતા.
કોંગ્રેસ વિધાનસભા પક્ષ (સીએલપી)ના નેતા વડેટ્ટીવાર, સીડબ્લ્યુસી (કૉંગ્રેસ વર્કિંગ કમિટીના) સભ્ય બાળાસાહેબ થોરાત અને અમીન પટેલ મંત્રાલયમાં ફડણવીસ અને વિધાન ભવનમાં નાર્વેકરને મળ્યા હતા.
આ પણ વાંચો: વિધાન ભવનમાં થયેલી મારામારી માટે મુખ્ય પ્રધાન ફડણવીસ દોષી, પ્રાયશ્ર્ચિત તરીકે રાજીનામું આપે: સપકાળ
બાદમાં, પત્રકારો સાથે વાત કરતા, થોરાતે કહ્યું હતું કે લોકશાહીમાં વિપક્ષી નેતાનું પદ મહત્વપૂર્ણ છે.
‘અમે મુખ્ય પ્રધાનને મળ્યા હતા અને તેમની સાથે પ્રવર્તમાન વહીવટી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી,’ એમ પણ તેમણે કહ્યું હતું.
‘અમે ગઈકાલે વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદે અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા. બંને પદ ખાલી છે તે સારું નથી. અમે પત્ર આપવાની અને સંબંધિત અધિકારીઓને મળવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે,’ એમ તેમણે કહ્યું હતું.
ડિસેમ્બર 2024માં નવી વિધાનસભાની રચના થયા પછી નીચલા ગૃહમાં વિપક્ષના નેતાનું પદ ભરવામાં આવ્યું નથી, કારણ કે 288 સભ્યોના ગૃહમાં વિપક્ષની સંખ્યા 50થી ઓછી થઈ ગઈ છે.
આ પણ વાંચો: વિધાનભવનની લોબીમાં ગાળાગાળી-મારામારી; પડળકર-આવ્હાડના કાર્યકરો વચ્ચે અથડામણ દુર્વ્યવહાર અને હુમલાની આ ઘટના કેમેરામાં પણ કેદ થઈ
સેના (યુબીટી) પાસે વીસ સભ્યો છે, જે વિપક્ષમાં સૌથી વધુ છે, તેમણે વિધાનસભામાં વિપક્ષના નેતાના પદ માટે પહેલેથી જ દાવો રજૂ કર્યો હતો.
78 સભ્યોની વિપક્ષ પરિષદમાં, કોંગ્રેસના સાત સભ્ય, શિવસેના (યુબીટી)ના છ સભ્ય અને એનસીપી (એસપી)ના ત્રણ સભ્ય છે. ત્રણ સભ્ય અપક્ષ છે.
ભાજપ પાસે બાવીસ સભ્ય છે, એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના પાસે સાત છે અને અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી પાસે આઠ છે. હાલમાં, બાવીસ ખાલી જગ્યાઓ છે.