મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની કોંગ્રેસની માગણી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધ પક્ષના વિજય વડેટ્ટીવારે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી હતી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી હોવાનું કહી વડેટ્ટીવારે રાષ્ટ્રપતિ શાસન લાવવાની માગણી કરી હતી.
પત્રકારો સાથે વાતચીત કરતા વડેટ્ટીવારે જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ફક્ત નામ પૂરતાં છે. ગૃહ ખાતું સાવ નિષ્ફળ ગયું છે, જે લોકો સત્તામાં છે તે લોકો સંપૂર્ણપણે રાજકારણ રમવામાં રચ્યાપચ્યા છે અને લોકોને રઝળતાં મૂકી દીધા છે.
તેમણે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બે બાળકના થયેલા મૃત્યુની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ ઘટના મહારાષ્ટ્ર પર કાળી ટીલી સમાન છે. માતા-પિતાએ બાળકોની સારવાર માટે 15 કિલોમીટર ચાલીને જવું પડ્યું હતું, કારણ કે તેમના ગામડાંમાં ડૉક્ટર નહોતો. આરોગ્ય પ્રધાન અને પાલક પ્રધાન શું કરી રહ્યા હતા? આ સરકારને બરખાસ્ત કરીને અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે નક્સલગ્રસ્ત ગઢચિરોલીમાં એક દંપતિએ તેમના બાળકોને સારવાર માટે 15 કિલોમીટર દૂર પગપાળા ચાલીને લઇ જવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે વડેટ્ટીવારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી હતી.