અશોક ચવ્હાણના રાજીનામાં બાદ કૉંગ્રેસ ભડકી, Jayram Rameshએકહ્યું કે…
નવી દિલ્હીઃ કૉંગ્રેસ હાલમાં તેના ઈતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. પક્ષમાં એક સાંધે તો તેર તૂટેની સ્થિતિ છે. એક પછી એક કદાવર નેતા પક્ષ છોડી જતા રહે છે. ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો પણ છેડો ફાડી રહ્યા છે. લોકસભાની ચૂંટણી બે વખતથી હારી રહેલી કૉંગ્રેસ (congress) આવનારી લોકસભામાં અત્યાર સુધીનું સૌથી નબળું પ્રદર્શન કરે તેવો માહોલ ઊભો થયો છે. છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાંથી કૉંગ્રસને ઘણા ઝટકા મળ્યા છે. લગભગ એક મહિનામાં પક્ષના ત્રણ મોટા નેતા પક્ષ છોડી જતા રહ્યા છે. અગાઉ મિલિન્દ દેવરા અને બાબા સિદ્દીકીએ રાજીનામાં આપ્યા હતા ત્યારે આજે રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અશોક ચવ્હાણે (Ashok Chavhan) પક્ષ છોડ્યો છે. તેમના રાજીનામાં બાદ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનેતે તીખી પ્રતિક્રિયા આપી છે.
ચવ્હાણનું નામ લીધા વિના કોંગ્રેસના મહાસચિવ અને સંદેશાવ્યવહાર પ્રભારી જયરામ રમેશે કહ્યું કે જ્યારે મિત્રો એવી રાજનૈનિક પાર્ટીને છોડે છે જેમણે તેમને ઘણુ બધુ આપ્યું છે અને જેના તે હકદાર છે તેના કરતા વધારે આપ્યું છે. જોકે તમણે ચવ્હાણને નબળા કહ્યું છે અને જણાવ્યું છે કે નબળા લોકો માટે વોશિંગ મશીન હંમેશા વૈચારિક પ્રતિબદ્ધતા અથવા વ્યક્તિગત વફાદારી કરતાં વધુ આકર્ષક સાબિત થશે. આ વિશ્વાસઘાતીઓને ખ્યાલ નથી કે તેમના જવાથી એ લોકો માટે નવી વિશાળ તકો ઊભી થઈ છે જેમના વિકાસમાં તેઓ હંમેશા અવરોધ બનતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ ભાજપને વોશિંગ મશીન કહે છે અને આક્ષેપ કરે છે કે ભ્રષ્ટાચારીઓ ભાજપમાં જઈ સાફસુથરા થઈ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આદર્શ કૌભાંડમાં અશોક ચવ્હાણનું નામ બહાર આવતા તેમણે મુખ્ય પ્રધાનપદ છોડવાનો વારો આવ્યો હતો.
જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું આજે વિપક્ષની રાજનીતિ કરવી ખૂબ મુશ્કેલ છે. આજે સરકારની આંખમાં આંખ મિલાવીને કહેવું બહુ મુશ્કેલ છે કે તમારી બધી ખોટી વાતો (આંકડાઓની) ખોટી છે, તમારું ‘વ્હાઈટ પેપર’ ખોટું છે. કેટલાક તપાસ એજન્સીના દબાણ હેઠળ છે, કેટલાક લાલચમાં છે અને કેટલાક અન્ય પ્રકારના દબાણને આધિન છે.
તેમણે કહ્યું કે તાજેતરના સમયમાં પાર્ટી છોડી ચૂકેલા તમામ લોકોના EDના કેસને જોશો તો ચિત્ર આપોઆપ સ્પષ્ટ થઈ જશે.
સુપ્રિયાએ દાવો કર્યો કે સરકારના વોશિંગ મશીન લોકો માટે ખોલવામાં આવ્યા છે. તેઓ રાત્રે 70 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવશે અને બીજા દિવસે સવારે તેમની સાથે હાથ મિલાવશે અને સરકાર બનાવશે. આવી બાબતો લોકશાહીને નબળી પાડે છે.