Vishalgad Violence મુદ્દે સ્થાનિક અધિકારીઓ સામે પગલાં ભરવા કોંગ્રેસે કરી માગણી

મુંબઈ: કોલ્હાપુરના વિશાલગઢ કિલ્લામાં અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન થયેલી હિંસાની ઉચ્ચ સ્તરીય તપાસ તેમજ કલેક્ટર અને પોલીસ અધિક્ષક સામે પગલાં લેવાની માગણી કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે આજે કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લખેલા પત્રમાં રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતાએ દાવો કર્યો હતો કે વિશાળગઢમાં અતિક્રમણ હટાવવાના નામે અસામાજિક તત્વોએ એક ખાસ સમુદાયને નિશાન બનાવ્યો હતો.
વડેટ્ટીવારે આરોપ કર્યો હતો કે ‘વિશાળગઢના ગાઝાપુરમાં થયેલી હિંસા સરકાર દ્વારા પ્રાયોજિત હતી.’ તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્ય ગુનેગારનો ચહેરો બધાની સામે આવી જવો જોઈએ. વડેટ્ટીવારે વધુમાં જણાવ્યું હતું કે ‘દુર્ભાગ્યપૂર્ણ ઘટના કલેક્ટર અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટની હાજરીમાં બની હતી. કલેક્ટરની બદલી થવી જોઈએ અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરવા જોઈએ.’
પોલીસના જણાવ્યા અનુસાર વિશાળગઢ કિલ્લા પર અતિક્રમણ વિરોધી ઝુંબેશ રવિવારે હિંસક બની હતી કારણ કે ટોળાએ પોલીસ કર્મચારી પર પથ્થરમારો કર્યો હતો અને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું જેના પગલે 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પુણેથી આવેલા મરાઠા રાજવી અને ભૂતપૂર્વ સાંસદ સંભાજીરાજે છત્રપતિની આગેવાની હેઠળના કેટલાક જમણેરી કાર્યકરોને પ્રતિબંધિત આદેશોને ધ્યાનમાં રાખીને કિલ્લાની તળેટી પાસે જ અટકાવી દેવામાં આવ્યા બાદ પરિસ્થિતિ તંગ બની હતી.
મંગળવારે કોલ્હાપુરના સંસદ સભ્ય કોંગ્રેસના છત્રપતિ શાહુ મહારાજ અને કોંગ્રેસના વિધાન પરિષદના સભ્ય સતેજ પાટીલ સહિત મહા વિકાસ આઘાડીના નેતાઓએ વિશાળગઢની મુલાકાત લીધી હતી. મરાઠા ઇતિહાસમાં વિશાળગઢ કિલ્લાનું ખૂબ મહત્વ છે કારણ કે ૧૬૬૦માં પન્હાળા કિલ્લા પર ઘેરાયેલા છત્રપતિ શિવાજી મહારાજ બચીને નીકળી ગયા બાદ વિશાળગઢ આવ્યા હતા.