ભાજપ-કોંગ્રેસના અનોખા ગઠબંધનનો આવ્યો અંત: કૉંગ્રેસે સસ્પેન્ડ કરેલા 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા

અંબરનાથ: કૉંગ્રેસ મુક્ત ભારતનો નારો આપનાર ભારતીય જનતા પાર્ટીએ અંબરનાથ નગર પરિષદમાં કૉંગ્રેસ સાથે સીધું જોડાણ કર્યાની વાત સામે આવતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. જોકે, આ વાત ખરેખર સાચી છે. મહારાષ્ટ્રની અંબરનાથ નગર પરિષદની ચૂંટણીમાં કૉંગ્રેસે 12 બેઠકો મેળવી હતી. કૉંગ્રેસના આ 12 કોર્પોરેટરોએ હાઈકમાન્ડને જાણ કર્યા વગર ભાજપ સાથે ગઠબંધન કરી લીધું હતું. કૉંગ્રેસે આ 12 કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા હતા. જોકે, હવે આ કોર્પોરેટરો સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.
ભાજપનો પાયો મજબૂત થયો છે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણે અંબરનાથ નગર પરિષદમાં વિજેતા થયેલા કૉંગ્રેસના 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા હોવાની માહિતી આપી છે. રવીન્દ્ર ચવ્હાણે જણાવ્યું કે, આ કોર્પોરેટરોએ જનતાને વિકાસનું વચન આપ્યું હતું ને વર્તમાન સરકારની ગતિશીલ કાર્યશૈલી જોઈને તેમણે ભાજપ સાથે આવવાનો નિર્ણય કર્યો છે. કૉંગ્રેસથી અલગ થઈને આ કોર્પોરેટરોના ભાજપમાં સામેલ થવાથી સ્થાનિક સ્તરે પાર્ટીનો પાયો વધારે મજબૂત થયો છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “ભાજપ પરિવારના વિકાસ અને લોકોને ધ્યાનમાં રાખીને કામ કરવાની રીતથી પ્રરિત થઈને, ઉભાઠા ગૃપના કલ્યાણ ગ્રામીણના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ચીફ રાહુલ ભગતે વિકાસનું ‘કમળ’ હાથમાં પકડ્યું છે. આ અવસરે તેમનું ભાજપ પરિવારમાં સ્વાગત કરવામાં આવ્યું અને તેમની આગળની યાત્રા માટે શુભકામનાઓ પાઠવી. આ અવસરે કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને બિનહરીફ ઉમેદવાર દીપેશ મ્હાત્રે, જયેશ મ્હાત્રે, હર્ષદતાઈ ભોઈપ અને બીજા મોટા લોકો હાજર રહ્યા હતા.”
ભાજપે શિવસેનાને એકલી પાડી
20 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી અંબરનાથ નગર પરિષદની સામાન્ય ચૂંટણીનું પરિણામ ચોંકાવનારું હતું. છેલ્લા 35 વર્ષથી અંબરનાથમાં શિવસેનાનું વર્ચસ્વ હતું. જેનો આ ચૂંટણીમાં અંત આવ્યો હતો. ચૂંટણીના પરિણામોમાં શિવસેના (શિંદે જૂથ)ને 27 બેઠકો મળી હતી. પરંતુ બહુમતી માટે તેને 4 બેઠકોની જરૂર હતી. જ્યારે ભાજપ પાસે 15 બેઠકો, કૉંગ્રેસ પાસે 12 બેઠકો અને NCP (અજિત પવાર જૂથ) પાસે 4 બેઠકો હતી. અહીં ભાજપે સત્તામાં આવવા માટે શિવસેના (શિંદે જૂથ) સાથે ગઠબંધન કરવાનું માંડીવાળીને કૉંગ્રેસ તથા NCP (અજિત પવાર જૂથ) સાથે ગઠબંધન કરીને ‘અંબરનાથ વિકાસ આઘાડી’ની રચના કરી હતી. જેથી હાલ ભાજપ-કૉંગ્રેસના સાથે ગઠબંધનની વાત વહેતી થઈ છે. પરંતુ હવે એ કૉંગ્રેસી નેતાઓ પણ ભાજપમાં ભળી ગયા છે.



