MVAમાં જ નહીં, પણ કોંગ્રેસમાં બેઠકોની ફાળવણી મુદ્દે ઘર્ષણ, સચિન સાવંતે કરી આ માગણી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા બાદ દરેક પક્ષો પોતાના ઉમેદવારોને નક્કી કરવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ પાર્ટીએ શનિવારે વિધાનસભાની ચૂંટણી માટે તેના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી, જેમાં 16 ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 16 ઉમેદવારોમાં કોંગ્રેસના પ્રવક્તા અને તેમના વફાદાર એવા સચિન સાવંતનું નામ પણ સામેલ છે. સચિન સાવંતને અંધેરી પશ્ચિમ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આની સામે તેમણે નારાજગી વ્યક્ત કરી છે અને તેમનો ઉમેદવારી વિસ્તાર બદલવાની માગણી કરી છે.
| Also Read: કાશ! આપણા રીલ મિનિસ્ટર રેલવે પર પણ ધ્યાન આપતા હોત… Bandra Stampede પર આદિત્ય ઠાકરેની પ્રતિક્રિયા
કોંગ્રેસની ઉમેદવારોની યાદીની જાહેરાત બાદ સચિન સાવંતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે મેં પાર્ટી પાસેથી બાંદ્રા પૂર્વ મત વિસ્તારમાંથી ઉમેદવારી કરવા માટે માગણી કરી હતી, પરંતુ બાંદ્રા પૂર્વનો વિસ્તાર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને આપવામાં આવ્યો છે અને મને અંધેરી પશ્ચિમ વિસ્તારની ઉમેદવારી આપવામાં આવી છે. પક્ષે મારામાં જે વિશ્વાસ દર્શાવ્યો છે, તે માટે હું દિલથી તેમનો આભાર માનું છું, પરંતુ મારી ઈચ્છા બાંદ્રા પૂર્વમાંથી ઉમેદવારી કરવાની હતી. હું પાર્ટી હાઈ કમાન્ડને અને અમારા ચૂંટણી પ્રભારી રમેશ ચેન્નિતલાને વિનંતી કરીશ કે તેઓ મારી વિનંતી પર વિચાર કરે. હું કોંગ્રેસનો વફાદાર કાર્યકર છું.
| Also Read: અજિત પવારે બહાર પાડી ત્રીજી યાદી, એક બેઠકમાં થયું સમાધાન
તેમણે એમ પણ જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે અંધેરી પશ્ચિમ મત વિસ્તારમાંથી અન્ય ઉમેદવારને તક મળે. મારા દિલમાં કોઈ નારાજગી નથી હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે જે મત વિસ્તારમાંથી મેં લડવા માટે તૈયારી કરી છે, મને એ વિસ્તારની ઉમેદવારી કરવાની તક મળે.સચિન સાવંતે તેમનો મતવિસ્તાર બદલવાની માંગણી કરી હોવાથી હવે પાર્ટી હાઇકમાન્ડ શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.