કૉંગ્રેસની મોટી કાર્યવાહી, આ જાણીતા નેતાને પક્ષમાંથી કાઢી મૂક્યા
મુંબઇઃ સંજય નિરુપમને અનુશાસનહીનતા અને પક્ષ વિરોધી નિવેદનો માટે 6 વર્ષ માટે કૉંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં સાથી પક્ષ શિવસેના સાથે બેઠક વહેચણીની વાટાઘાટો વચ્ચે પાર્ટી નેતૃત્વ પર તેમની તાજેતરની ટિપ્પણીઓ બદલ પાર્ટીએ નિરૂપમ સામે શિસ્તભંગના પગલાં લીધા છે. દરમિયાન નિરૂપમે કહ્યું હતું કે તેઓ આજે પોતાનો નિર્ણય જાહેર કરશે.
કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ નાના પટોલેએ મુંબઈમાં પાર્ટીની પ્રચાર સમિતિની બેઠકમાં હાજરી આપ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસે અગ્રણી પ્રચારકોની યાદીમાંથી સંજય નિરૂપમનું નામ હટાવી દીધું છે. કોંગ્રેસના મુંબઈ એકમના ભૂતપૂર્વ વડા નિરૂપમે કહ્યું હતું કે તેઓ ગુરુવારે તેમનું સ્ટેન્ડ સમજાવશે.
મળતી માહિતી મુજબ સંજય નિરૂપમ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. ઉત્તર મુંબઈના સાંસદ નિરૂપમે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્વએ શિવસેના (ઉદ્ધવ)ના દબાણ સામે ઝુકી જવું જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે મુંબઈમાં એકતરફી ઉમેદવાર ઉભા કરવાનો શિવસેના (ઉદ્ધવ)નો નિર્ણય સ્વીકારવો એ કોંગ્રેસને બરબાદ કરવા દેવા સમાન છે.
નોંધનીય છે કે નિરૂપમ એક સમયે શિવસેનામાં હતા. તેમણે 2005માં શિવસેના છોડી હતી. તેમણે ઉત્તર ભારતીય ફેરિયાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. 2009માં તેઓ મુંબઈ ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. 2014 માં તેઓ આ જ બેઠક પરથી ભાજપના ગોપાલ શેટ્ટી સામે હારી ગયા હતા.
નિરૂપમ મુંબઈ ઉત્તર પશ્ચિમ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માગે છે, પરંતુ શિવસેના ઉદ્ધવે તેના ઉમેદવારને અહીંથી મેદાનમાં ઉતાર્યો છે, જેને કારણે નિરૂપમ ગુસ્સે ભરાયા છે અને શિવસેના સામે પ્રહારો કરી રહ્યા છે.