દક્ષિણ મુંબઈની બેઠકને મુદ્દે મહાવિકાસ આઘાડીમાં સંઘર્ષના એંધાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાવિકાસ આઘાડીની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુંબઈમાં બેઠકોની વહેંચણીને મુદ્દે ભારે સંઘર્ષ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, તેમાં પણ દક્ષિણ મુંબઈ લોકસભા મતદારસંઘને મુદ્દે શિવસેના (યુબીટી) અને કૉંગ્રેસનો સીધો સંઘર્ષ થવાની શક્યતા જોવાઈ રહી છે.
દક્ષિણ મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય મિલીંદ દેવરાએ રવિવારે સોશ્યલ મીડિયા પર એક વિડીયો મૂકીને એવું નિવેદન કર્યું હતું કે કોઈએ જાહેરમાં નિવેદનો કે દાવા કરવા નહીં. ઠાકરે જૂથને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે દક્ષિણ મુંબઈની બેઠક પર જો શિવસેના (યુબીટી) દાવો માંડવાની હોય તો કૉંગ્રેસ પણ આ બેઠક પર દાવો માંડશે.
તેમણે કહ્યું હતું કે મારા કાર્યકર્તા મને સવારથી ફોન કરીને કહી રહ્યા છે કે મહાવિકાસ આઘાડીનો એક ઘટક પક્ષ દક્ષિણ મુંબઈની બેઠક માટે એકતરફી દાવો કરી રહ્યો છે. આથી ચિંતામાં વધારો થવાનું સાહજિક છે. મારે કોઈ વિવાદ કરવો નથી કે વધારવો નથી. છેલ્લા 50 વર્ષથી દક્ષિણ મુંબઈ મતદારસંઘ કૉંગ્રેસ પાસે છે. કોઈની લહેરમાં અમે ચૂંટાઈ આવ્યા નથી. અમે આટલા વર્ષોથી લોકોનાં કામ કર્યા છે. અમારા કામ અને સંબંધોને જોરે અમે આ બેઠક પર આટલા વર્ષો વિજય મેળવ્યો છે. આ બેઠક પર કૉંગ્રેસ જ દાવો કરશે. અહીં ઉલ્લેખનીય છે કે મિલીંદ દેવરાના પિતા મુરલી દેવરા અને ત્યારબાદ મિલીંદ દેવરા અહીંથી સળંગ વિજયી રહ્યા છે. ગયા વખતે અરવિંદ સાવંતે નજીવા તફાવતથી દેવરાને હરાવ્યા હતા.