આમચી મુંબઈ

રસ્તાના કૉંક્રીટીકરણની ૩૧ મેની મુદત પૂરી કરવા રેડી મિક્સ કૉંક્રીટની સપ્લાય ચેન મજબૂત કરાશે

મુંબઈ: મુંબઈમાં હાલ ઠેર ઠેર રસ્તાના કૉંક્રીટાઈઝેશનનાં કામ ચાલી રહ્યાં છે અને તમામ કામ પૂરાં કરવા માટે ૩૧ મેની મુદત આપવામાં આવી છે. મુદત પહેલા કામ ઝડપથી પૂરાં થઈ શકે તે માટે રેડી મિક્સ કૉંક્રીટનો પુરવઠો (સપ્લાય ચેન) વધુ મજબૂત કરીને કૉન્ટ્રેક્ટરને પ્રોજેક્ટ મેનેજર સાથે આપસમાં સમન્વય સાધીને કામ કરવાનો નિર્દેશ પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે આપ્યો હતો.

હાલ શહેરની સાથે જ ઉપનગરમાં રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામ ચાલી રહ્યા છે. આ કામ ઝડપથી પૂરાં થાય તે માટે રો મટિરિયલ ઝડપથી મળવું એટલું જ આવશ્યક છે. સાયનમાં રસ્તાના કામના ઈન્સ્પેકશન સાથે જ એડિશનલ કમિશનર અભિજિત બાંગરે બીકેસીમાં આવેલા મિલન રોડ બિલ્ટેક એલએલપી આ રેડી મિક્સ કૉંક્રીટ પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી હતી. અહીં રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામ માટે રેડીમિક્સનું મિશ્રણ બનાવવામાં આવે છે. તેથી અહી રેડી મિક્સ કેવી રીતે બને છે અને તેની ગુણવત્તા જળવાઈ રહે છે કે નહીં તેનું ઈન્સપેકશન કર્યું હતું. એ સાથે જ અહીંથી તૈયાર મિશ્રણ લઈ જનારા વાહનોની સંખ્યા વધારવાની સાથે જ ગુણવત્તા જાળવીને સમયસર રસ્તાના કૉન્ટ્રેક્ટરને મોકલવાની સૂચના પણ આપી હતી, જેથી કરીને રસ્તાના કામ અટવાઈ પડે નહીંં.


રસ્તાના ઈન્સ્પેકશન દરમ્યાન પાણીની પાઈપલાઈન નાખવાના કામને લઈને તેમણે પાલિકાના અધિકારીઓની સાથે જ કૉન્ટ્રેક્ટરોને સૂચના આપી હતી કે અમુક વિસ્તારમાં ફૂટપાથ નીચે પાણીની પાઈપલાઈન આવેલી છે, તેથી જો ૩૧ મે સુધીમાં કામ પૂરા થઈ શકવાના હોય તો જ તેટલા જ પ્રમાણમાં પાઈપલાઈન નાખવા માટે રસ્તા તથા ફૂટપાથને ખોદવાનું કામ કરવું. અન્યથા રાહદારીઓની સાથે જ વાહનચાલકોને મુશ્કેલી થઈ શકે છે.

આ પણ વાંચો: મુંબઈમાં ‘હરિયાળી વિસ્તાર’ વધારવા પાલિકા કરશે આ આ મહત્ત્વનું કામ…

રસ્તો બન્યા પછી યાદ આવ્યુંં, પાણીની પાઈપલાઈન નાખવાની રહી ગઈ, ફરી ખોદાયો રસ્તો બોરીવલી (પશ્ર્ચિમ)માં ગોરાઈ એકમાં પ્લોટ નંબર છ, ગોરાઈ અરિંહત કૉ.સોસાયટી નજીક રસ્તાનું કૉંક્રીટાઈઝેનનું કામ પૂરું થઈ ગયા બાદ પાણીની પાઈપલાઈન નાખવા માટે ફરી ખોદવામાં આવ્યો હોવાની ફરિયાદ ભૂતપૂર્વ નગરસેવિકા શીતલ મ્હાત્રેએ પાલિકા પ્રશાસનને કરી છે.

શીતલ મ્હાત્રેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીના આદેશ મુજબ એક વખત રસ્તાનું કૉંક્રીટાઈઝેશન થઈ ગયા બાદ તેને કોઈ પણ યુટીલિટિઝના કામ માટે ખોદવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તે છતાં ગોરાઈ-એકમાં સોસાયટીની અંદર આવેલો આખો રસ્તો કૉંક્રીટનો બનાવ્યા બાદ તેની નીચે પાણીની પાઈપલાઈન નાખવાની બાકી રહી ગઈ હોવાનું કૉન્ટ્રેક્ટરને ધ્યાનમાં આવ્યું હતું અને હવે તેણે ફરી રસ્તા ખોદી નાંખ્યો છે, તેને કારણે સ્થાનિકો નાગરિકોને હેરાનગતી થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button