રોકાણકારો સાથે 73.50 લાખ રૂપિયાની છેતરપિંડી: કંપનીના ડિરેક્ટર વિરુદ્ધ ગુનો

થાણે: આકર્ષક વળતરની લાલચે રોકાણકારો સાથે 73.50 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે પોલીસે ઈન્વેસ્ટમેન્ટ કંપનીના ડિરેક્ટર સામે એફઆઈઆર નોંધ્યો હતો.
ડોમ્બિવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે છેતરાયેલા એક રોકાણકારે નોંધાવેલી ફરિયાદને આધારે શનિવારે ઈન્વેસ્ટમેન્ટ ફર્મના ડિરેક્ટર રણજીત બૈસ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 420, 406 અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઈન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ (એમપીઆઈડી)ની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. છેતરપિંડીનો ગુનો 1 જુલાઈ પહેલાં આચરાયો હોવાથી આઈપીસી હેઠળ ગુનો નોંધાયો હોવાનું પોલીસનું કહેવું છે.
આ પણ વાંચો: પુણેના વેપારી સાથે રૂ. 53 લાખની છેતરપિંડી: બે સામે ગુનો
પોલીસ ફરિયાદ અનુસાર માર્ચ, 2020માં આરોપીએ પાંચ રોકાણકારને તેની કંપનીની સ્કીમ્સમાં રોકાણ કરવા પર ઊંચા વળતરની લાલચ આપી હતી. જોકે બાદમાં કંપની રોકાણકારોને વળતર અને તેમણે રોકેલી રકમ પાછી ચૂકવવામાં નિષ્ફળ ગઈ હતી.
જોકે રોકાણકારોએ તેમની મૂડી અંગે પૂછપરછ કરતાં બૈસે ઉડાઉ જવાબ આપ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. કંટાળીને એક રોકાણકારે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સહિત અન્ય રોકાણકારો સાથે 73.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)