ડીઆરપીપીએલ ધારાવીને વધુ સારું બનાવવા પ્રતિબદ્ધ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (ડીઆરપીપીએલ) ધારાવીના પરિવર્તન અને ઉત્થાન માટે ફરી એકવાર પોતાની અતૂટ પ્રતિબદ્ધતાની ખાતરી આપે છે. પાત્રતા ધરાવતા તમામ રહેવાસીઓને ધારાવીમાં જ 350 ચોરસ ફૂટનાં નવા ઘરો વિનામૂલ્યે આપવામાં આવશે, જે મુંબઈમાં અન્ય કોઈપણ ઝૂંપડપટ્ટી પુનર્વસનના પ્રોજેક્ટ કરતાં 17 ટકા વધુ ક્ષેત્રફળ છે. જેઓ અપાત્ર છે તેમને પણ મહારાષ્ટ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈમાં જ ઘર આપવામાં આવશે. આ પુન:વિકાસનો પ્રયાસ ધારાવીના રહેવાસીઓનું જીવન ધોરણ ઉન્નત બનાવવા માટે ઘડાયેલો છે, જે ગૌરવશાળી અને આરામદાયક આવાસ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત વ્યાપારી એકમોને પણ સરકારની યોજના મુજબ ગાળા અને પરિસર આપવામાં આવશે.
નવી ધારાવી માટેનું વિઝન વિશ્વ પ્રસિદ્ધ પ્લાનર્સ અને આર્કિટેક્ટના કૌશલ્ય વડે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર તેને વિકસાવવાનું છે. એની વ્યાપક યોજનામાં માત્ર રહેણાંક એકમો જ નહીં પરંતુ કોમ્યુનિટી હોલ, મનોરંજનના વિસ્તારો, જાહેર બગીચાઓ, દવાખાનાઓ, ડે-કેર સેન્ટર્સ, શાળાઓ અને હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે. વધુમાં, એક મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી કરવાની યોજના ઘડવામાં આવી રહી છે.
Read This…ધારાવીમાં ઈન્ડસ્ટ્રિયલ કમ્પાઉન્ડમાં લાગેલી આગમાં છ જણ દાઝ્યા
આ ઉપરાંત પુન:વિકસિત ધારાવીમાં દરેક પાત્ર વ્યવસાયને સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માંથી પાંચ વર્ષની છૂટ (રિઈમ્બર્સમેન્ટ)નો લાભ મળશે. આ પહેલનો હેતુ સમુદાયની આર્થિક વૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો તેમજ સ્થાનિક વ્યવસાયો અને ઉદ્યોગ-સાહસિકોને ટેકો આપવાનો છે.
અફસોસની વાત એ છે કે પુન:વિકાસ પ્રોજેક્ટને પડકારોનો સામનો કરવો પડ્યો છે, ખાસ કરીને અમુક અંગત રાજકીય હિતો ધરાવતા લોકોએ વિવિધ ક્ષેત્રોમાં અત્યંત આવશ્યક એવી સર્વેની કામગીરીમાં વિક્ષેપ પાડ્યો છે. કેટલાક સ્થાનિક રહેવાસીઓ સર્વેક્ષણની પ્રક્રિયાને ટેકો આપી રહ્યા છે, ત્યારે આ મુઠ્ઠીભર લોકોએ પોતાના અંગત હિતોને કારણે સર્વેની પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો કરીને અનેક લોકોને તૈયાર ઘરોમાં રહેવા જતા અટકાવ્યા છે, જેના કારણે તેમને બિનજરૂરી મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે.