વ્યાવસાયિક સોદામાં સરકારી કોન્ટ્રાક્ટર સાથે રૂ. 10.8 કરોડની છેતરપિંડી: ચાર સામે ગુનો
![](/wp-content/uploads/2024/04/Untitled-design-40-780x470.jpg)
થાણે: થાણેમાં વ્યાવસાયિક સોદામાં બનાવટી દસ્તાવેજોને આધારે સરકારી કોન્ટ્રાક્ટર સાથે રૂ. 10.8 કરોડની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
શ્રીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે ચાર જણ વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ચાર જણમાં દંપતીનો સમાવેશ હોઇ તેઓ બે કંપનીના ડિરેક્ટર છે.
ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આરોપી દંપતી તેમના અંધેરી એમઆઇડીસી અને પાલઘર ખાતેના ઇલેક્ટ્રિકલ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ વેચવા ઇચ્છતા હતા અને તેમણે તેના તમામ સંબંધિત દસ્તાવેજો પણ દેખાડ્યા હતા. ફરિયાદીએ બાદમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની મુલાકાત પણ લીધી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
દરમિયાન ફરિયાદીએ બે પ્લાન્ટ ખરીદવા માટે રૂ. 5.82 કરોડ ચૂકવ્યા હતા અને થોડા દિવસ બાદ દસ્તાવેજોની ચકાસણી કરતાં તે બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપીઓએ મૂળ દસ્તાવેજો રજૂ કર્યા નહોતા અને શેર્સ ફરિયાદીને નામે ટ્રાન્સફર કરવાનો ઇનકાર કરી દીધો હતો. આરોપી દંપતીએ બાદમાં તેમની થાણેની ઓફિસ પણ બંધ કરી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
ફરિયાદી સાથે કુલ રૂ. 10.8 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી, જેમાં ફેક્ટરીઓ ખરીદવા માટે ચૂકવેલી રકમ અને એકમોમાં રોકાણમાંથી મેળવેલા નફાનો સમાવેશ છે. (પીટીઆઇ)