કોમેડિયન સમય રાઈના બીજી વાર મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર…

મુંબઈ: યુટ્યૂબના રિયાલિટી શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રણવીર અલાહાબાદિયાએ માતા-પિતા અને સેક્સ સંબંધી કરેલી બીભત્સ ટિપ્પણી મામલે નોંધાયેલા કેસમાં કોમેડિયન સમય રાઈના શુક્રવારે બીજી વાર મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થયો હતો.
દક્ષિણ મુંબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે આવેલી સાયબરની ઑફિસમાં રાઈના શુક્રવારની બપોરે પહોંચ્યો હતો. આ સપ્તાહમાં તે બીજી વાર સાયબર સમક્ષ ઉપસ્થિત રહ્યો હતો. અધિકારીઓએ રાઈનાનું નિવેદન નોંધ્યું હતું. આ જ સપ્તાહમાં 24 માર્ચે પણ રાઈના નવી મુંબીના મ્હાપે ખાતેના સાયબરના મુખ્યાલયમાં રાઈના પૂછપરછ માટે હાજર થયો હતો.
રાઈનાના વેબ શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં ફેબ્રુઆરીમાં યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાએ ઉમેદવારને વડીલો સંબંધી અશ્ર્લીલ પ્રશ્ર્ન કર્યો હતો. આ એપિસોડનો વીડિયો વાયરલ થતાં જ ભારે હોબાળો મચ્યો હતો અને વિવિધ સ્તરેથી વિરોધ કરાયો હતો. લોકોનો રોષ જોઈ સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: પોલીસે ધીરજની પરીક્ષા ન કરવી, કામરાની તત્કાળ અટક કરો: શંભુરાજે દેસાઈ
યુટ્યૂબના આ પ્રોગ્રામ સાથે સંકળાયેલા રાઈના, અલાહાબાદિયા અને અન્યો અનેક પોલીસ ફરિયાદનો સામનો કરી રહ્યા છે. (પીટીઆઈ)